Gujarat: ગુજરાત ભાજપના નવા પ્રમુખોની વરણીનો મામલો પહોંચ્યો દિલ્હી, 10મી તારીખ સુધી જાહેરાત થવાની સંભાવના
Gujarat ગુજરાત ભાજપમાં તમામ શહેર અને જિલ્લા પ્રમુખો અંગે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવ્યા બાદ મામલો મોવડી મંડળ પાસે પહોંચ્યો છે. પ્રમુખ બનવા ગુજરાતભરમાંથી રાફડો ફાટ્યો હતો અને પ્રમુખ બનવા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળી હતી. પરંતુ દરેક શહેર અને જિલ્લા પ્રમુખની પસંદગી માટે ચાર-ચારની પેનલ બનાવવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેર જિલ્લાના પ્રમખોની યાદી લઈ ભાજપના આગેવાનોઁ દિલ્હી પહોંચી ગયા છે.
દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે ગુજરાત ભાજપના નેતાઓની નામોની પસંદગીને લઈ બેઠક થવાની છે. ગુજરાતના પ્રભારી રત્નાકર, રજની પટેલ અને ઉદય કાનગડ સહિતના આગેવાનો દિલ્હી પહોંચી ગયા છે. બે દિવસ સુધી દિલ્હીમાં હાઈ કમાન્ડ સાથે ચર્ચા થયા પછી નામો ફાઈનલ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યના 33 જિલ્લા અને આઠ મહાનગરોને ભાજપના નવા પ્રમુખ મળવાની સંભાવના છે. નવા પ્રમુખોના નામ 10મી તારીખ સુધીમાં જાહેર થવાની ગણતરી મૂકવામાં આવી રહી છે. મોવડી મંડળની મંજુરી મળ્યા બાદ કમલમથી નવા નામોની જાહેરાત કરવામાં આવશે એવું સૂત્રો જણાવી રહ્યા છે.