Meena Yasmin: મીના યાસ્મીન
મીના યાસ્મીન- પ્રકરણ-2
બેભાન થવાનો ડોળ કરીને સાંભળી રહેલી મીના યાસ્મીનના આખાય શરીરમાંથી ભયની લખલખી પસાર થઈ, તે ધ્રૂજવા લાગી
દૂરના પહાડો પાછળ સૂર્ય ડૂબવા લાગ્યો ત્યારે ખીણમાંથી ઠંડો પવન ફૂંકાવાનું શરૂ થયું. નાના, નાજુક પીછાઓની જેમ આકાશમાંથી ધીમેધીમે હિમવર્ષા થઈ રહી હતી. બરફ વરસતાંની સાથે જ જાણે સમગ્ર વિશ્વ અલૌકિક લાગવા માંડ્યું. અવાજો ગૂંગળાવા લાગ્યા અને પડઘાઓ સંભળાવા લાગ્યા. એક બર્ફિલો સન્નાટો પથરાયો હતો. બધું જ સફેદ રંગમાં ઢંકાઈ ગયું હતું. ઠંડી હવાની સુગંધ પ્રસરી રહી હતી. હવા વધુ તીક્ષ્ણ અને અધિક ઉત્તેજના અને મનમોહક્તાનો અનુભવ કરાવી રહી હતી.
જેલમ નદીના પ્રવાહને કારણે રચાયેલી સાંકડી ખીણનો રસ્તો હતો. ખડકાળ પર્વતોનું પરિદૃશ્ય બરફની સાથે ખરબચડા ભૂપ્રદેશમાંથી લાલ ખડકોમાં પરિવર્તિત થઈ ગયું હતું. બર્ફીલા માર્ગની સાથે ક્યાંક રસ્તાઓ પર કાળાડિબાંગ ખડકોની હારમાળા પણ જોવા મળી રહી હતી. નવો જામેલો બરફ ભેખડો પર ઝૂમ્મરની જેમ લટકી રહ્યો હતો. એક તરફ બરફ હતો જ નહીં તો બીજી તરફ બધે જ બરફ બરફ હતો પરંતુ મીના યાસ્મીનનાં વિચારો ગોટે ચઢ્યા હતા. તેના વિચારોમાં અગ્નિ પ્રજવળી રહી હતી.
ઘાટીના દુર્ગમ રસ્તાઓ પર ચાલીને ડૂંગર પર આવેલા ઘર પાસે હકીમ હડ્ડી ચિકન અને મીના યાસ્મીન અટકી જાય છે. મીનાના મનમાં હકીમ દ્વારા અપાયેલા નામ અંગે અનેક વિચારો ચાલી રહ્યા છે. વિતસ્તા બેદી…વિતસ્તા બેદી કોણ છે એ કોઈ જાણતું ન હતું. પરંતુ વિતસ્તા બેદીનું નામ હકીમના મુખેથી સાંભળીને મીના યાસ્મીન આખાય રસ્તે વિચારોમાં ખોવાયેલી રહી.
વિતસ્તા બેદીને શા માટે હકીમ હડ્ડી ચિકન શોધવાનું કહી રહ્યો છે? કારણ જાણવાનો પ્રયાસ કરવા મીન યાસ્મીન નક્કી કરે છે. હમણાં તો હકીમ હડ્ડી ચિકને એટલું જ કહ્યું છે કે વિતસ્તા બેદીના કારણે તેના અનેક સાથીઓના જાન ગયા છે. મીના યાસ્મીનને હવે વિતસ્તા બેદી અંગે હકીમ હડ્ડી ચિકન શું વિચારે અને તેના મગજમાં શું પ્લાન છે તે જાણવાની તાલાવેલી થઈ.
મીના…હકીમના અવાજ પર તેની વિચારતંદ્રા તૂટે છે. તે સાવધ થવાનો પ્રયાસ કરે છે.
શું થયું? ક્યા વિચારોમાં પડી ગઈ?
કશું જ નહીં હકીમ સાહેબ.
ચાલ અંદર આવી જા…
લાકડાનું ઘર હતું. નક્શીકામ સારું એવું કરવામાં આવ્યું હતું, જમીન પર પથ્થરો સાથે ફ્લોરિંગ તૈયાર કરાયું હોવાનું લાગતું હતું. બન્ને ઘરમાં પ્રવેશે છે ત્યાં અંદર જોતાં મીના યાસ્મીનની આંખો પહોળી થઈ જાય છે. ઘરની અંદર હકીમના આશરે 40 જેટલા સાગરિતો હોય છે. મીના માટે આ અપેક્ષિત ન હતું. તે વધુ સતર્ક થઈ જાય છે. બધાના હાથમાં એકે 47 અને એકે 56 રાયફલ હોય છે. કેટલાકની પાસે બોમ્બ અને હેન્ડગ્રેનેડ પણ દેખાય છે. એવું લાગતું હતું કે કોઈ મોટા હૂમલાની આ લોકો તૈયારી કરી રહ્યા છે.
બહારથી ઘર એક પ્રકારે ખખડઘજ લાગતું હતું પરંતુ ભીતરથી નક્શીકામ અને ઘરની બનાવટ આલિશાન બનાવવામાં આવી હતી. કોઈ કલ્પી ન શકે આ ઘરમાં લશ્કરે લાફાનીના આતંકીઓ છૂપાયેલા હશે. મીના યાસ્મીન માટે ખરી પરીક્ષાનો સમય આવી ગયો હતો. તે પણ તૈયાર હતી કે હકીમ તેને શું આદેશ આપે છે.
હકીમ ઘરના પાછલા દરવાજેથી બહાર જાય છે. તેની પાછળ નૂરા ખટ્ટા અને ફખરુ પણ જાય છે. ત્રણેય જણા થોડી વાર પછી પાછા આવે છે. હકીમ પોતાના સાગરિતો સાથે વાત કરે છે.
આજે આપણા બે સાથીઓને મારી નાંખવામાં આવ્યા છે. તેનો બદલો લેવાનો છે. બન્ને સાથીઓનું મોત એળે નહીં જાય. બધા તૈયાર છો…
બધા એકી અવાજે તૈયાર હોવાનું કહે છે.
હકીમ મીનાની બરાબર સામે આવીને ઉભો રહે છે અને કહે છે કે મીના હવે તારું કામ શરુ થઈ ગયું છે. વિતસ્તા બેદીની તમામ હિલચાલ અને તેના વિશેની સંપૂર્ણ માહિતી તારે ભેગી કરવાની છે અને મારા સુધી પહોંચાડવાની છે. બની શકે કે આ કામમાં તું પકડાઈ પણ જાય અથવા તો તું પણ ગોળીનો શિકાર બની જાય. પણ યાદ રાખજે આ લડાઈ અમારી નથી પણ આઝાદીના અધિકારોની લડાઈ છે.
મીના કહે છે હું તૈયાર છું
મીના યાસ્મીન હજુ આટલું બોલે છે ત્યાં જ આકાશમાંથી વિમાનોની બઘડાટી સંભળાય છે. હકીમ અને તેના માણસો આકળ-વિકળ બની જાય છે. ઝડપથી હકીમ બહાર આવીને જૂએ છે તો આર્મીના લડાકુ વિમાનો દેખાય છે. તે તરત જ પરત ઘરમાં આવે છે અને તેના સાગરિતોનો જગ્યા છોડવાનો આદેશ આપે છે. મીના યાસ્મીન ત્વરિત્તાથી ઘરના પાછલા દરવાજેથી બહારની તરફ દોડે છે. તેની પાછળ હકીમ અને તેના સાગરિતો ભાગવાનો પ્રયાસ કરે છે પરંતુ પળવારમાં વિમાનોમાંથી ફેંકાયલા બોમ્બ પત્તાના મહેલની માફક ઘરને ઉડાવી દે છે. મીના યાસ્મીન અને હકીમનો માંડમાંડ બચાવ થાય છે પરંતુ 40થી વધુ તેના સાગરિતો પળવારમાં મોતની સોડમાં પહોંચી જાય છે.
હજુ તો હકીમ હડ્ડી ચિકને બે જણાનો બદલો લેવા તૈયારી કરી હતી ત્યાં તેના 40 થી વધુ સાગરિતોને મોત મળતાં તે હાંફળો-ફાંફળો થઈ જાય છે. તેનું મગજ સૂમ મારી જાય છે. ભાગીને દુર પહોંચેલો હકીમ સળગી રહેલા ધર અને તેના સાથીઓને ક્રોધાવેશની અગ્નિમાં જોઈ રહ્યો હતો. તે ભીતરથી વધુ બળી રહ્યો હતો. મીના યાસ્મીન ક્યાં હતી તેની પણ તેણે તસ્દી લીધી નહી.થોડાક સમય પછી તેને થોડી કળ વળી અને તેણે જોયું તો મીના યાસ્મીન કણસતી હાલતમાં બરફમાં પડેલી જોવા મળી. ભાગતી વખતે મીનાના પગમાં ઈજા થઈ હતી. તે ઉઠવાનો પ્રયાસ કરે છે પણ ઉઠી શકતી ન હતી.
હકીમ હડ્ડી ચિકન તેની પાસે પહોંચે છે.
તુમ ઠીક તો હૌ…
મીના જવાબ આપે છે, હા ઠીક છું, પગ અને માથામાં વાગ્યું છે.
હકીમ તેને ટેકો આપીને ઉભી કરે છે અને કહે છે, ઈધર થોડી દેર રુકના ભી ખતરે સે ખાલી નહીં. જલ્દી ચલો યહાં સે….
બેભાનવસ્થામાં પહોંચેલી મીનાને હકીમ ટેકો આપે છે. બન્ને ખોડગાતી ચાલે અંધારામાં ક્યાંક અદ્રશ્ય થઈ જાય છે.
——————–
મીના યાસ્મીન ભાનમાં આવે છે. તેને એવું લાગે છે કે તે કોઈક અજબ જગ્યાએ પહોંચી ગઈ છે. ત્યાં જ અઝાનનો અવાજ સંભળાય છે. તે સફાળી ઉભી થવાનો પ્રયાસ કરે છે. યેનકેન રીતે તે ઉભી થાય છે. પ્રગાઢ અંધારામાં તેને કશી ગતાગમ થતી નથી. ધીમા અવાજ તરફ ધ્યાન કેન્દ્રિત કરે છે.
નામ તો હકીમ હડ્ડી ચિકન હૈ, લેકિન તુમ નીમ હકીમ હો…પતા હૈ કી હમારે ગ્રુપ મેં ઔરતોં કો શામીલ કરના નાકાબિલે બર્દાશ્ત હૈ. તુમને ઈસ લડકી કો કૈસે ગ્રુપ મેં શામીલ કર લીયા…નીમ હકીમ ખતરે જાન…અબ ભૂગતો….
એક ભરાવદાર અવાજ તરફ મીના યાસ્મીન ઘીમા ડગલે ચાલવા લાગે છે. લાકડાના બારણાના કાણામાંથી એક આંખે જોવાનો પ્રયાસ કરે છે. આછા અજવાસમાં એક દાઢીધારી દેખાય છે. તેના હાથમાં કોઈક વસ્તુ છે. તે એ વસ્તુને ગોળ ગોળ ફેરવી રહ્યો છે. એ વસ્તુ હેન્ડગ્રેનેડ હોય છે. એ માણસ હેન્ડગ્રેનેડને બોલની જેમ હાથમાં ગોળ ગોળ ફેરવી રહ્યો હતો. હકીમ એ માણસની બરાબર સામે ઉભો છે અને મીના તરફ તેની પીઠ છે.
હકીમ, આ છોકરીને જેટલી જલ્દી થાય એટલી જલ્દી અહીંયાથી રવાના કરી દે.. સત્તાવાહી અવાજમાં એ માણસે કહ્યું..
મને એ છોકરીનું કામ છે. મેં એને ગ્રુપમાં એટલા માટે સામેલ કરી છે કે મને વિતસ્તા બેદી નામની યુવતીની તલાશ છે. મારે એ વિતસ્તા બેદીને શોધવાની છે જેના કારણે આપણા અનેક મુજાહિદોના જાન ગયા છે. મને એ મિશનમાં આ છોકરી કામે લાગશે.
વિતસ્તા બેદી…..યે કૌન….એ માણસે પહેલા તો આશ્ચર્ય સાથે કહ્યું અને યાદ આવ્યું હોય તેમ બોલ્યો, અચ્છા, અચ્છા, યે વહી વિતસ્તા બેદી હૈ જીસને ઓપરેશન ટ્રાઈ કલર્સ કો અંજામ દીયા થા.
હકીમ બોલ્યો, હા, યે વહી લડકી હૈ હિજાબી સાહબ…..
પહેલી વખત હકીમ હડ્ડી ચિકન એ માણસનું નામ બોલ્યો. નામ સાંભળી મીના યાસ્મીનના મગજમાં તરત જ ઉરીમાં થયેલા આતંકી હૂમલાની ગોઝારી યાદ તાજી થઈ. એ વધુ સતર્ક બની. ઉરી હૂમલાને હિજાબીએ અજામ આપ્યો હતો.
હિજાબીનું આખું નામ કૈસર હિજાબી હતું. મીના યાસ્મીનને યાદ આવ્યું કે હિજાબી તો આઝાદ કાશ્મીરથી આતંકી નેટવર્ક ચલાવતો હતો. ભારતની એજન્સીઓ એને બે વર્ષથી શોધી રહી છે. શું હિજાબી ફરી ભારતમાં આવી ગયો કે પછી? મીના યાસ્મીન આટલું વિચારે તે પહેલાં તેની આ ભ્રમણા ખોટી ઠરી.
હિજાબી બોલી રહ્યો હતો કે યે સિર્ફ આઝાદ કાશ્મીર કા મુઆમલા નહીં હૈ, ઈસી કે સાથ હી કાશ્મીર, ગિલગિસ્તાન ઔર બાલ્ટિસ્તાન કા મુઆમલા ભી હૈ. યાદ રહે, યે લડકી વિતસ્તા બેદી તક હી મહેદુદ હોની ચાહિએ. હમારે ઔર કઈ પ્લાનિંગ હૈ, ઈસ કે બારે ઈસે પતા નહીં ચલના ચાહીએ.
પર હિજાબી સાહબ, લડકી પૂરે ભરોસે કી હૈ, હમ ઉસે અપને ઔર મકસદ મેં ઈસ્તેમાલ કર સકતે હૈ…બહુત કામ કી લડકી હૈ.
અગર વો હમારે લિએ કારગર સાબિત હોતી હૈ તો કરો, લેકિન એહતિયાત ઝરુરી હૈ.. ઠીક હૈ….આગે બઢો…
મીના યાસ્મીનને જ્ઞાન થયું કે તે હવે આઝાદ કાશ્મીરમાં છે. તેને તરત સ્ફર્યું કે તે બેભાન હતી પણ કેટલા દિવસ?
હિજાબી સાહબ, 40 સે ઝાઈદ અફરાદ કો આર્મીને માર ગિરાયા હૈ, કુછ તો જવાબ દેના પડેગા…
જવાબ દેંગે, ઝરુર દેંગે ઔર બહુત જલ્દ દેંગે હકીમ….બેફિકર રહો…મુઝે અચ્છે સે અચ્છે હૂનરબાઝ ઔર ટેક્નોલોજી કે માહિર લડકોં કી
ઝરુરત હૈ, ઢૂંઢો ઔર ઉન કો તૈયાર કર કે મેરે પાસ લે કર આવો. ક્યા કરના હૈ વો બાદ મેં બતાઉંગા.
કૈસર હિજાબી આઝાદ કાશ્મીરથી આતંકી નેટવર્ક ચલાવી રહ્યો હતો. તે શરુઆતમાં કાશ્મીર ઘાટીમાં રહેતો હતો. પરંતુ ત્રણ વર્ષ પહેલાં તેણે ઉરીમાં આર્મીના બેઝ કેમ્પ પર હૂમલો કર્યો હતો અને તેમાં આર્મીના બે જવાનો શહીદ થયા હતા ત્યારથી તે ભાગેડુ હતો. ભારતીય એજન્સીઓ તેને સતત શોધી રહી હતી. હકીમ હડ્ડી ચિકન ઘાટીમાં રહીને તેનું કામ સંભાળતો હતો અને પર્વતોના પેટાળમાં લપાઈને આતંકીઓ તૈયાર કરતો હતો. હકીમ હડ્ડી ચિકનના માથા પર પાંચ લાખનું ઈનામ હતું.
મીના યાસ્મીન અંદરથી થોડી ધ્રુજી ગઈ પણ તેણે સ્વસ્થ થવાનો પ્રયાસ કર્યો. મીણના આછા અજવાસમાં તે જોઈ શકી કે ઘૂંટણ સુધીના કાશ્મીરી ઉનનાં પોષાક ફેરન( કાશ્મીરી ગાઉન), લાંબી દાઢી અને લાંબા વાળવાળો હિજાબી તેની તરફ આવી રહ્યો હતો. મીના તરત જ પોતાની જગ્યા પર આવી ગઈ.મીના યાસ્મીન તરફ પ્રકાશ ફેંકીને હિજાબી બોલ્યો, લાજવાબ, ચૌદવી કા ચાંદ, હકીમ, લડકી તો ખૂબસૂરત હૈ. હમ ઈસ સે નિકાહ કરેંગે.
પર હિજાબી સાહબ…..
બસ ઔર કોઈ સવાલ નહી, હમને કેહ દીયા હમ ઈસ સે નિકાહ કરેંગે, યે જીહાદ મેં શામીલ કરને કે લિએ નહીં બની હૈ, હમારે લિએ બની હૈ…અબ યે કહીં નહી જાયેગી, યહીં રહેગી….
બેભાન થવાનો ડોળ કરીને સાંભળી રહેલી મીના યાસ્મીનના આખાય શરીરમાંથી ભયની લખલખી પસાર થઈ, તે ધ્રૂજવા લાગી.
( *ક્રમશ:)
(disclaimer: આ નવલકથાના પાત્રો સંપૂર્ણ કાલ્પનિક છે અને કોઈ ઘટના કે નામ સાથે સંબંધિત નથી. જો કોઈ નામ કે ઘટના સાથે સંબંધિત થાય છે તો એ યોગાનુયોગ હશે.)