Bhupendra Jhala Arrested: BZ પોન્ઝી સ્કીમનો માસ્ટરમાઇન્ડ ભૂપેન્દ્ર ઝાલા મહેસાણાથી ઝડપાયો: CID દ્વારા પૂછપરછ શરૂ
CID ક્રાઇમે 6000 કરોડના BZ પોન્ઝી સ્કીમના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાથી ઝડપી લીધો, છેલ્લા એક મહિનાથી તે ફરાર હતો
આ કૌભાંડમાં અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ થઈ છે, જ્યારે 100 કરોડની 18 મિલકતો સીઝ કરવામાં આવી
Bhupendra Jhala Arrested : CID ક્રાઇમને 6000 કરોડના મોટા કૌભાંડમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરીને મોટી સફળતા મળી છે. ગત એક મહિનાથી ફરાર રહેલા ભૂપેન્દ્રસિંહ ઝાલાને મહેસાણાના દવાડા ગામની સીમમાંથી ઝડપવામાં આવ્યો હતો. તેને ગાંધીનગર લાવવામાં આવ્યો છે જ્યાં તેના પર પૂછપરછ ચાલી રહી છે. શંકાસ્પદ સંપર્કોના કોલ્સ ટ્રેસ કર્યા બાદ તેનું લોકેશન મળ્યું હતું અને CIDની ટીમે સાંજે 4 વાગ્યે તેને ઝડપી લીધો.
BZ પોન્ઝી સ્કીમની તપાસમાં નવી વિગતો
ભૂપેન્દ્રસિંહની ધરપકડથી તપાસને નવી ગતિ મળી છે. આ કેસમાં અત્યાર સુધી CIDએ કુલ 8 લોકોને ઝડપ્યા છે. આરોપીનું મૂળ સાબરકાંઠાના ભુખ્યાદેરા ગામ છે અને તે આ સ્કીમનું મુખ્ય ભેજું ગણાય છે.
CIDએ તપાસમાં જાણવા મળ્યું કે ભૂપેન્દ્રસિંહે 6 હજાર કરોડનું કૌભાંડ રચ્યું હતું. માત્ર એક જ બ્રાન્ચમાંથી 52 કરોડના વ્યવહારો સામે આવ્યા છે, જ્યારે કુલ 18 મિલકતોની કિંમત 100 કરોડ છે, જે બધા જ પોન્ઝી સ્કીમ દ્વારા મેળવવામાં આવી હતી.
બસ ‘એક કા તીન’ સ્કીમથી લોકો ઠગાયા
BZ ગ્રુપની ‘એક કા તીન’ સ્કીમમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારીઓ અને શિક્ષકોને ટાર્ગેટ કરાયા હતા. તેઓને રોકાણ પર દર મહિને 3% વ્યાજ આપવાનું લાલચ અપાતું હતું. ફંડ લાવનારા એજન્ટ્સને પણ 1%થી 1.5% સુધીની કમિશન આપવામાં આવતું હતું.
રાજકારણ સાથેના સંબંધો
ભૂપેન્દ્રસિંહનું રાજકારણમાં પણ જોડાણ છે. ગત લોકસભા ચૂંટણીમાં સાબરકાંઠા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, પણ ભાજપના નેતાના કહેવા પર પોતાનું ફોર્મ પાછું ખેંચી લીધું હતું.
જમીન અને સંપત્તિમાં મોટું રોકાણ
CIDની તપાસમાં જાણવા મળ્યું કે 2021થી 2023 વચ્ચે ભૂપેન્દ્રસિંહે 10 એકર જમીન ખરીદી છે. તેની પાસે 9 બેંક એકાઉન્ટ છે અને મોટી મિલકત બનાવી છે.
CIDની કાર્યવાહી ચાલુ
CID ક્રાઇમે 4 અલગ-અલગ ટીમો બનાવીને તપાસના ધમધમાટ સાથે ભૂપેન્દ્રસિંહના અન્ય સાગરિતોને ઝડપી પાડવા માટે પ્રયાસો તેજ કરી દીધા છે.
BZ પોન્ઝી સ્કીમના માળખા, રાજકારણ સાથેના સંબંધો અને 6000 કરોડના કૌભાંડની વધુ વિગતોને CID હવે શોધી રહી છે. આ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે.