Air India માટે કેવું રહ્યું વર્ષ 2024, નવા વર્ષમાં કેવો વિકાસ થશે, CEO વિલ્સને આપી માહિતી
Air Indiaના વડા કેમ્પબેલ વિલ્સને શુક્રવારે જણાવ્યું હતું કે એરલાઈન 2025 સુધીમાં વાઈડબોડી અને નેરોબોડી એરક્રાફ્ટનું ઓવરહોલિંગ અને પ્રક્રિયામાં સુધારો કરવા સહિતની મુખ્ય પહેલ પર પ્રગતિ કરશે. તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ 2022માં તેનું નિયંત્રણ સંભાળ્યું ત્યારથી ઘણી મહત્વકાંક્ષી યોજનાઓ પર કામ કર્યું છે. હાલમાં જ એર ઈન્ડિયાએ વધુ 100 એરક્રાફ્ટનો ઓર્ડર પણ આપ્યો છે.
2024 માં મહત્વની સિદ્ધિઓ
વિલ્સને જણાવ્યું હતું કે એર ઈન્ડિયા એક્સપ્રેસ, એરએશિયા ઈન્ડિયા અને વિસ્તારાનું 2024માં એર ઈન્ડિયામાં વિલીનીકરણ એ એક મોટું પગલું હશે, જે કંપનીને આવકની દૃષ્ટિએ ટાટા જૂથમાં ચોથો સૌથી મોટો બિઝનેસ બનાવશે. એર ઈન્ડિયા ગ્રૂપ કુલ 300 એરક્રાફ્ટનું સંચાલન કરે છે, જે ભારત અને સમગ્ર વિશ્વમાં 100 થી વધુ સ્થળોએ વાર્ષિક 6 કરોડથી વધુ મુસાફરોને સેવા પૂરી પાડે છે.
ભાવિ યોજનાઓ અને સુધારાઓ
વિલ્સને જણાવ્યું હતું કે 2025માં એર ઈન્ડિયાની વિવિધ મુખ્ય પહેલ પર પ્રગતિ જોવા મળશે, જેમ કે નવી સીટો અને સેવાઓ સાથે વાઈડ અને નેરો-બોડી એરક્રાફ્ટને રિટ્રોફિટ કરવા. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે એર ઈન્ડિયા તેની કાર્યપદ્ધતિ અને પ્રક્રિયાઓને મજબૂત બનાવશે જેથી કરીને “અમે માત્ર સુસંગત જ નહીં, પરંતુ અંતે નફાકારક રહીએ.”
570 વિમાનો માટે ઓર્ડર
આ મહિનાની શરૂઆતમાં, એર ઈન્ડિયાએ વધુ 100 એરબસ એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો, જેમાં 10 વાઈડ-બોડી A350 અને 90 નેરો-બોડી A320 એરક્રાફ્ટનો સમાવેશ થાય છે. કુલ 570 એરક્રાફ્ટનો ઓર્ડર આપવામાં આવ્યો છે.
નાણાકીય સુધારણા
નાણાકીય વર્ષ 2023-24માં એર ઈન્ડિયાની ખોટ રૂ. 11,388 કરોડથી ઘટીને રૂ. 4,444 કરોડ થઈ છે. કંપનીનું ટર્નઓવર 23.69 ટકા વધીને રૂ. 38,812 કરોડ થયું છે.