સિંગાપોર : ભારતની સ્ટાર શટલર પીવી સિંધુએ ડેન્માર્કની મિયા બ્લિચફીલ્ટને સીધી ગેમમાં હરાવીને ગુરૂવારે અહીં સિંગાપોર ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટની મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો. આ સિવાય પારુપલ્લી કશ્યપ અને કિદામ્બી શ્રીકાંતે પણ પોતાની પહેલા રાઉન્ડની મેચ જીતીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.
ચોથી ક્રમાંકિત સિંધુએ વિશ્વની 22મી ક્રમાંકિત મિયાને 39 મિનીટમાં 21-13, 21-19થી હરાવી હતી. ડેન્માર્કની આ ખેલાડી સામે સિંધુનો આ સતત બીજો વિજય હતો. સિંધુ હવે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ ચાઇનીઝ ખેલાડી કાઇ યાનયાન સામે રમશે. ગઇકાલે સાઇનાઍ ઇન્ડોનેશિયન ખેલાડી યુલિયા યોસેફિન સુસાંતોને ૨૧-૧૬, ૨૧-૧૧થી હરાવીને આગેકૂચ કરી હતી. સાઇનાનો સામનો હવે થાઇલેન્ડની પોનર્પાવી ચોચુવોંગ સાથે થશે, જેણે ભારતની યુવા ખેલાડી મુગ્ધા અગ્રેને 21-6, 21-8થી પરાજીત કરી હતી.
ઇન્ડિયા ઓપનના ફાઇનાલિસ્ટ કિદામ્બી શ્રીકાંતે 41 મિનીટ સુધી ચાલેલી પહેલા રાઉન્ડની મેચમાં થાઇલેન્ડના સિટહીકોમ થામાસિનને 21-14, 21-18થાી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. હવે તે ડેન્માર્કના હેન્સ ક્રિસ્ટીયન સોલબર્ગ વિટિંગસ સામે રમશે. આ ઉપરાંત કશ્યપે ડેન્માર્કના રાસમસ ગેમકોન ૨૧-૧૯, ૨૧-૧૪થી હરાવ્યો હતો, હવે તે ચીનના ઓલિમ્પિક્સ ચેમ્પિયન ચેન લોંગ સામે રમશે. પ્રણોયે બ્રાઇસ લેવરેડઝને ૧૧-૨૧, ૨૧-૧૬, ૨૧-૧૮થી જ્યારે સમીરે સુપન્યુ અવિહિંગ્સનોનને ૨૧-૧૪, ૨૧-1૬થી હરાવ્યો હતો અને તે ચીનના લુ ગુઆંગઝુ સામે રમશે.