મુંબઇ : ઓલિમ્પિક્સ સિલ્વર મેડલિસ્ટ પીવી સિંધુ અને જેવલીન થ્રોઅર નીરજ ચોપરાને શુક્રવારે ઇઍસપીઍન ઇન્ડિયા મલ્ટિ સ્પોર્ટસ ઍવોર્ડમાં 2018 માટે વર્ષના સર્વશ્રેષ્ઠ મહિલા અને પુરૂષ ખેલાડી જાહેર કરવામાં આવ્યા હતા. સિંધુને આ ઍવોર્ડ માટે ગત સિઝનમાં ચીનમાં રમાયેલી બીડબલ્યુઍફ વર્લ્ડ ટુર ફાઇનલ્સ ટુર્નામેન્ટમાં જારદાર પ્રદર્શન કરીને ચેમ્પિયન બનવા બદલ પસંદ કરવામાં આવી હતી. નીરજે કોમનવેલ્થ ગેમ્સ અને ઍશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતવા ઉપરાંત ગત વર્ષે 88.06 મીટર સુધી થ્રો કરીને નેશનલ રેકોર્ડ પણ બનાવ્યો હતો.
લંડન ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલિસ્ટ સાઇના નેહવાલને કમબેક પ્લેયર ઓફ ધ યર તરીકેના ઍવોર્ડ માટે પસંદ કરવામાં આવી હતી. શૂટિંગ કોચ જસપાલ રાણાને વર્ષના સર્વશ્રેષ્ઠ કોચના ઍવોર્ડ માટે, પહેલીવાર ગોલ્ડ જીતનારી મહિલા ટેબલ ટેનિસ ટીમને સર્વશ્રેષ્ટ ટીમ તરીકે જ્યારે ઍશિયન ગેમ્સમાં 4 બાય 400ની રિલે દોડ જીતનારી મહિલાઅોની ટીમે વર્ષની સર્વશ્રેષ્ઠ ક્ષણનો ઍવોર્ડ જીત્યો હતો.