રાઇટ ટુ એજ્યુકેશન એકટ હેઠળ આગામી શૈક્ષણિક વર્ષ ૧૯-૨૦માં ૧લા ધોરણમાં પ્રવેશ માટે તા.૫/૪/૧૯ થી
તા.૧૫/૪/૧૯ સુધીમાં www.rtegujarat.org અથવા http://rte.orpgujarat.com વેબસાઇટ ઉપરથી ઓનલાઇન અરજી
કરવાની રહેશે. તા.૧લી જૂન, ૨૦૧૯ના રોજ પાંચ વર્ષ પૂર્ણ થાય તેઓ નોનગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે પ્રવેશ
માટે અગ્રતાક્રમ મુજબ પ્રવેશ મેળવી શકે છે. વલસાડ જિલ્લાની નોન ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ-૧માં ઓનલાઇન પ્રવેશ
નિયામકની જાહેરાતમાં દર્શાવ્યા મુજબની અલગ-અલગ ૧ થી ૧૧ કેટેગરીના બાળકોને તેમના રહેઠાણથી ફક્ત ૬ કિ.મી.ની
ત્રિજ્યામાં આવેલી નોનગ્રાન્ટેડ શાળાઓમાં જ પ્રવેશ મળી શકશે. ઓનલાઇન અરજીફોર્મમાં એક થી વધુ શાળા અગ્રતાક્રમે
દર્શાવવાની રહેશે. ભરેલા પ્રવેશ ફોર્મ જિલ્લામાં તાલુકાવાર નક્કી કરવામાં આવેલા ૧૧ કેન્દ્રો ઉપર આધાર પુરાવાઓ સાથે
તા.૧૬/૪/૧૯ સુધી જાહેર રજાના દિવસો સિવાય સ્વીકારવામાં આવશે. જે બાળકોના વાલીઓ પોતે ઓનલાઇન અરજી કરી
શકે તેમ ન હોય તો નિયત કરવામાં આવેલા રીસીવિંગ સેન્ટરો ઉપર વિનામૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે.
આ યોજના હેઠળ ધોરણ ૧માં જે બાળકનું એડમીશન કન્ફર્મ થશે તેમની ધોરણ-૧થી ૮ સુધી શાળામાં
ભરવાપાત્ર ફીની રકમ દર વર્ષે શાળાને સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીને ગણવેશ-બુટ-પુસ્તકો અને
પરિવહનના ખર્ચ પેટે રૂા.૩ હજારની રકમ વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં સીધા જમા કરાશે.
નબળા અને વંચિત જૂથની કેટેગરીમાં આવતા બાળકોમાં અનાથ બાળકો, સંભાળ અને સંરક્ષણની
જરૂરિયાતવાળા બાળકો, બાળ સંરક્ષણ ગૃહના બાળકો, બાળ મજુર કે સ્થળાંતરિત મજુરના બાળકો, મંદબુદ્ધિ કે સેરેબ્રલ
પાલ્સી ધરાવતા બાળકો, ખાસ જરૂરિયાતવાળા વિકલાંગ બાળકો, એચ.આઇ.વી.ગ્રસ્ત બાળકો, ફરજ પર શહીદ થયેલા
લશ્કરી અને પોલીસ દળના જવાનોના બાળકો તેમજ ૦ થી ૨૦ સ્કોર ધરાવતા બીપીએલની યાદીમાં આવતા બાળકો માટે
આવકની કોઇ મર્યાદા લાગુ પડતી નથી. તે માટે જરૂરી દસ્તાવેજો જોડવાના રહેશે. જ્યારે એસ.સી, એસ.ટી., ઓબીસી અને
જનરલ કેટેગરીમાં આવતા બિન અનામત વર્ગના બાળકો માટે આવકમર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં ૧.૨૦ લાખ અને શહેરી
વિસ્તારના બાળકો માટે ૧.૫૦ લાખ રહેશે.
ઓનલાઇન અરજી કરતી વખતે અગ્રતાક્રમ મુજબ એકથી વધુ શાળાના નામો દર્શાવવાના રહેશે. નબળા અને
વંચિત જૂથના બાળકોના વાલીઓને મોટી સંખ્યામાં યોજનાનો લાભ લેવા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા અનુરોધ
કરાયો છે.
આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનો જન્મનો દાખલો, આધારકાર્ડ, માતા-પિતાનું આધારકાર્ડ-પાનકાર્ડ
તેમજ મામલતદારે આપેલો આવકનો દાખલો, લાઇટબીલ, રેશનકાર્ડ, વેરાબીલ, બાળક તેમજ માતા-પિતાની બેંક પાસબુક,
વિદ્યાર્થીના બે ફોટોગ્રાફસ તેમજ પિતાનો જાતિનો દાખલો વગેરે દસ્તાવેજો જરૂરી છે.
આધારકાર્ડ અને જન્મતારીખના દાખલામાં વિગતો સરખી હોવી જરૂરી છે. આવકનો દાખલો ડુપ્લીકેટ હશે તો
પાછળથી ફોર્મ રીજેકટ થઇ શકે છે. એડ્રેસ ગુગલ મેપથી લેવામાં આવે છે, જેથી સોસાયટી આવે છે કે નહીં તે ખાસ જોવું.
વાલીના બેંક ખાતામાં આર.ટી.ઇ.ના નાણાં સીધા જમા કરાવવામાં આવતા હોવાથી વાલીનું બેંક એકાઉન્ટ ચાલુ છે કે નહીં
તેની ખાતરી કરી લેવાની રહેશે.
૨૬-વલસાડ (અ.જ.જા) લોકસભા બેઠક માટે ઓબ્ઝર્વરો નિમાયા
=====
વલસાડ જિલ્લામાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ની ૨૬-વલસાડ (અ.જ.જા) બેઠક શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને
ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ થાય તે માટે ભારતના ચૂંટણીપંચ દ્વારા જનરલ ઓબ્ઝર્વર તરીકે શ્રી
યશપાલ ગર્ગ (આઇ.એ.એસ.), પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી પવાર પ્રવિણ મધકર (આઇ.પી.એસ.)ની નિમણૂંક કરવામાં
આવી છે. તેઓ તિથલ સર્કિટ હાઉસમાં રોકાયેલા છે.
જનરલ ઓબ્ઝર્વર શ્રી યશપાલ ગર્ગ (આઇ.એ.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૮૦૫૪૦૧ તથા પોલીસ ઓબ્ઝર્વર
શ્રી પવાર પ્રવિણ મધકર (આઇ.પી.એસ.)નો મોબાઇલ નંબર ૭૫૭૪૮૦૫૪૦૨ છે. જાહેર જનતાને ઓબ્ઝર્વરની ચૂંટણીલક્ષી
કામગીરી અંગે રૂબરૂ મુલાકાત કરવી હોય તો અગાઉથી ટેલીફોનિક જાણ કરી સવારે ૧૦-૩૦ થી ૧૧-૩૦ના સમયગાળા
દરમિયાન મળી શકાશે, તેમ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા જણાવાયું છે.