પેરિસ : ફૂટબોલના સર્વકાલિન મહાન ખેલાડીઓમાં સામેલ પેલેનું માનવું છે કે ફ્રાન્સનો સ્ટાર ખેલાડી કીલિયન એમ્બાપ્પે જો ફ્રેન્ચ લીગ-1 ક્લબ પેરિસ સેન્ટ જર્મન (પીએસજી)ને છોડીને ક્યાંય નહીં જાય તો તે દુનિયાનો સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે ઊભરીને સામે આવશે. પેરિસમાં એક કાર્યક્રમ દરમિયાન પેલે અને એમ્બાપ્પે પહેલીવાર મળ્યા હતા અને એ દરમિયાન પેલેએ કહ્યું હતું કે તે પીએસજીમાં રહીને જ શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે.
હાલમાં કીલિયન સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ સાથે જોડાય તેવી ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. પેલેએ લે પેરેસિયન અખબારને જણાવ્યું હતું કે વિશ્વના શ્રેષ્ઠતમ ખેલાડી બનવા માટે કીલિયને પીએસજી છોડીને ક્યાંય જવાની જરૂર નથી. તે જેવું રમે છે, તેવું જ રમતો રહે. આ પ્રકારે જ તે શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે. એ તેના માટે જરૂરી છે.
પેલેએ એવું પણ કહ્યું હતું કે મારે વિશ્વના શ્રેષ્ઠતમ ખેલાડી બનવા માટે ક્યારેય સાન્તોષ છોડીને જવાની જરૂર ઊભી થઇ નથી અને એ પ્રકારે જ કીલિયને પણ આ મુકામ મેળવવા માટે ફ્રાન્સ છોડીને બીજે ક્યાંય જવાની જરૂર નથી.