નવી દિલ્હી : ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટી (આઇઓસી) દ્વારા વૈશ્વિક સ્પર્ધાઓની યજમાની બાબતે ભારત પર મુકાયેલા પ્રતિબંધ છતાં હોકી સિરીઝ ફાઇનલ્સનું આયોજન અગાઉથી નક્કી થયા અનુસાર જૂનમાં ભુવનેશ્વર ખાતે જ થશે. આ ટુર્નામેન્ટથી ઓલિમ્પિક્સ ટિકીટ પણ કપાવી શકાય છે.
ભારતીય ઓલિમ્પિક્સ એસોસિએશન (આઇઓએ)ના એક ટોચના અધિકારીએ કહ્યું હતું કે હોકી સિરીઝ ફાઇનલ્સ 6થી 16 જૂન દરમિયાન અગાઉથી નક્કી કરાયેલા કાર્યક્રમ અનુસાર જ રમાશે. અમે આ મુદ્દે એક સહમતિ પર પહોંચ્યા છીએ. તેથી હું એવું કહી શકું છું કે હોકી સિરીઝ ફાઇનલ્સનું આયોજન જૂનમાં ભુવનેશ્વર ખાતે કરાશે.
ભારતીય ટીમે હોકી પ્રો લીગમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે અને ઓલિમ્પિક્સમાં ક્વોલિફાઇ કરવા્ માટે તેણે હોકી સિરિઝ ફાઇનલ્સમાં રમવું પડશે. પુલવામા હુમલા પછી ભારતે શૂટિંગ વર્લ્ડ કપ માટે પાકિસ્તાનના ત્રણ સભ્યોને વિઝા આપવાનો ઇનકાર કર્યો હતો, તે પછી આઇઓસીએ ઇન્ટરનેશનલ ફેડરેશનોને ભારતમાં વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન ન કરવાનો નિર્દેશ આપ્યો હતો.