Surat: સમાજ માટે સંકલ્પ: 22 ડિસેમ્બરે કરણી સેના ક્ષત્રિય મહાસંમેલન યોજશે
- ક્ષત્રિય સમાજના સ્વાભિમાન માટે કરણી સેનાનું મહાસંમેલન મહત્વપૂર્ણ
- રાજ શેખાવતનું કહેવું છે કે હવે ક્ષત્રિયો પોતાના હકો માટે લડશે
સુરત , મંગળવાર
Surat: સુરત પ્રવાસે આવેલા ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે પત્રકાર પરિષદ દરમિયાન ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે જણાવ્યું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજના હિતો પર આઘાતજનક પ્રહાર કરવામાં આવ્યા છે, અને હવે કરણી સેના આને એક મજબૂત જવાબ આપશે. 22 ડિસેમ્બર, 2024ના રોજ અમદાવાદના કુંજાડ ગામના ખોડિયાર ફાર્મ હાઉસ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલન યોજાઈ રહ્યું છે, જેનો મુખ્ય ઉદ્દેશ ક્ષત્રિય સમાજને એક મંચ પર લાવવાનો છે.
સરકાર પર આક્ષેપ
Surat રાજ શેખાવતે જણાવ્યું કે ગુજરાતમાં ભાજપ સરકાર દ્વારા ક્ષત્રિયાણીઓની અસ્મિતા પર નિંદનીય ટિપ્પણીઓ કરવામાં આવી છે.ત્યારબાદ ક્ષત્રિય સમાજ દ્વારા લડાઈ કરવામાં આવતા ક્ષત્રિય સમાજના સ્વાભિમાનનું પ્રતિક એવી કેસરી પાઘડી પર પણ પ્રહાર કરાયો હતો.સમાજના હિતમાં આવાજ ઉઠાવતા વ્યાપારીએ પણ તકલીફોનો સામનો કર્યો છે. આ મહાસંમેલન રાજકીય પક્ષોને ક્ષત્રિય સમાજની શક્તિશાળી એકતાનું પ્રદર્શન કરવાનો મંચ સાબિત થશે.
એકતાનું મંચ: મહાસંમેલન
આ કાર્યક્રમમાં ગરાસદાર, કાઠી, કારડીયા, નાડોદા, હાટી, મહિયા, જાગીરદાર અને ઠાકોર સહિતના વિવિધ ક્ષત્રિય સમાજના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. મુખ્ય ઉદ્દેશ ક્ષત્રિય સમાજની એકતા પ્રદર્શિત કરવો અને આર્થિક, સામાજિક તેમજ રાજકીય પ્રહારનો સામનો કરવા માટે એકતા સાધવી છે.
પુષ્પા 2 વિવાદ
રાજ શેખાવતે ફિલ્મ “પુષ્પા 2” પર પણ આક્ષેપ કર્યો. તેમણે જણાવ્યું કે ફિલ્મના પાત્ર “ભૈરવસિંહ શેખાવત”ને અત્યંત નકારાત્મક રૂપે રજૂ કરવામાં આવ્યો છે, જે શેખાવત સમાજ માટે અપમાનીય છે. આ મામલે પ્રોડ્યુસર અને ડિરેક્ટરને આ નામ હટાવવા માટે તાકીદ કરી છે. કરણી સેના કોઈપણ જાતિ પર આઘાતજનક આક્ષેપને સહન કરવાનું ઇચ્છતી નથી. તેમણે આ વિવાદને 2018ની પદ્માવત મુવીના વિવાદ સાથે સરખાવીને શેખાવત પાત્રનું નામ બદલી દેવાની માગ કરી છે.
ક્ષત્રિય માટે સંકલ્પ
કરણી સેનાનું આ મહાસંમેલન ફક્ત એક પ્રદર્શન સુધી મર્યાદિત નથી, પણ ક્ષત્રિય સમાજના અધિકારો માટેનો મજબૂત સંકલ્પ છે. રાજ શેખાવતે પોતાની વાતમાં સ્પષ્ટતા કરી હતી કે હવે સમય આવી ગયો છે કે સમાજ અને સરકાર બંને સમજી લે કે ક્ષત્રિય સમાજ હવે મૌન સહનશીલતા દાખવશે નહીં.