ઇપોહ : અહીં સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની પોતાની અંતિમ ગ્રુપ મેચમાં ભારતીય ટીમે શુક્રવારે પોલેન્ડ સામે ગોલનો વરસાદ કરીને તેને ૧૦-૦થી કચડી નાંખ્યું હતું. શનિવારે કોરિયા સામે રમાનારી ફાઇનલ પહેલા ભારતીય ટીમે પોલેન્ડ સામેની મેચમાં પોતાની શક્તિ અને સામર્થ્યને ફરી ઍકવાર ચકાસી લીધા હતા અને આ મેચ તેમને પુરતી પ્રેકિટસ પણ આપી ગઇ હતી. મનદીપ સિંહના જારદાર ફોર્મને કારણે ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચમાંથી ૪ મેચ જીતી છે અને કોરિયા સામેની મેચ ડ્રો કરી છે.
પોલેન્ડ સામેની મેચમાં વરુણ કુમારે૧૮મી અને ૨૫મી મિનીટમાં જ્યારે મનદીપે ૫૦મી અને ૫૧મી મિનીટમાં ઍમ બે-બે ગોલ કર્યા હતા. જ્યારે વિવેક પ્રસાદે ૧લી મિનીટમાં, સુમિત કુમારે ૭મી મિનીટમાં., સુરેન્દ્ર કુમારે ૧૯મી, સિમરનજીત સિંહે ૨૯મી, નીલકંઠ શર્માઍ ૩૬મી જ્યારે અમિત રોહિદાસે ૫૫મી મિનીટમાં ૧-૧ ગોલ કર્યા હતા. ભારતીય ટીમના આ ૧૦ ગોલ સામે પોલેન્ડ ઍકપણ ગોલ કરી શકયું નહોતું. ભારતીય ટીમ પહેલાથી જ ફાઇનલમાં પોતાનું સ્થાન નિર્ધારિત કરી ચુકી છે.
