ઇપોહ : 28મી સુલતાન અઝલન શાહ કપ હોકી ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય ટીમનું સ્થાન પાકું થઇ ગયુ છે, અને આવતીકાલે તેઅો અહીં પુલ સ્ટેજની પોતાની અંતિમ મેચમાં પોલેન્ડ સામે રમશે, ત્યારે ભારતીય ટીમના ફોરવર્ડ મનદીપ સિંહે ઍવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભારતીય ટીમ કોરિયા જેવી મજબૂત કે પછી કોઇપણ ટીમ સામે ફાઇનલમાં બાથ ભીડવા માટે બધી રીતે તૈયાર છે.
ભારતીય ટીમે શુક્રવારની મેચ માટે આજે ઘણી પ્રેક્ટિસ કરી હતી. ટુર્નામેન્ટમાં જારદાર ફોર્મ સાથે રમી રહેલા 24 વર્ષના ફોરવર્ડ મનદીપે આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ આગામી બંને મેચમાં જારદાર પ્રદર્શન કરશે. ભારતીય ટીમની નજર ૨૦૧૦ પછી પહેલીવાર સુલતાન અઝલન શાહ કપ જીતવા પર મંડાયેલી છે. મનદીપે કહ્યું હતું કે અમે જાણીઍ છીઍ કે ફાઇનલ માટે અમે ક્વોલિફાઇ કરી લીધું છે, પણ અમે અંતિમ પુલ મેચમાં પણ સંપૂર્ણ ઉત્ત્સાહ સાથે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરીશું. અમારો પ્રયાસ આ બંને મેચ જીતવાનો જ રહેશે ઍવું તેણે ઉમેર્યુ હતું.
