BZ Group: બી ઝેડ મામલે જિલ્લાનું શિક્ષણતંત્ર હરકતમાં, ભેજાબાજ પોપટ માસ્તર ટેન્શનમાં
- તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી પાસે અહેવાલ મંગાવાયો
BZ Group: બી ઝેડ કૌભાંડ પ્રકાશમાં આવ્યા બાદ તેમાં એજન્ટ તરીકે કામ કરતા કેટલાક નિવૃત્ત અને હાલ ફરજ બજાવતા શિક્ષકોએ પૈસાની લાલચે અનેક રોકાણકારોને પોન્ઝી સ્કીમમાં શિકાર બનાવીને આ લોકોએ તેમનો સ્વાર્થ સિધ્ધ કરી દીધો છે. ત્યારે પાપનો ઘડો ભરાઇ ગયો છે અને સીઆઇડી ક્રાઇમ માટે બી ઝેડ તથા તેમના મળતીયાઓ અને એજન્ટોની કરમકુંડળી સીબીઆઇ પાસે પહોંચી ગઇ છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાનું શિક્ષણ તંત્ર પણ હરકતમાં આવી ગયુ છે અને બુધવારે જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની વિગતો મંગાવવા માટે આદેશ કરી દેવાયા છે.
છેલ્લા દસેક દિવસથી મહાઠગ અને ભેજાબાજ
તથા પારકા પૈસે લોકોનું ભલુ કરવાના શોખ રાખી નામના કમાવવા મથતા ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેમના વિશ્વાસુ સાથીઓએ અવનવી પોન્ઝી સ્કીમો રજૂ કરીને રોકાણકારોની બચતની મુડી ઓળવી લીધી છે. જોકે તેના માટે ઉંચા વ્યાજની લાલચ પણ અપાતી હતી. કેટલાક કિસ્સાઓમાં શરૂઆતમાં રોકાણકારોને વ્યાજની રકમ ચૂકવાઇ હતી. પરંતુ લોભને થોભ ના હોય તેમ આગવી વાક્છટા ધરાવતા ભુપેન્દ્રસિંહ ઝાલા અને તેમના મળતીયાઓએ વધુ રોકાણ કરશો તો ટુંક જ સમયમાં તમો માલદાર થઇ જશો.
તેથી લાલચમાં આવેલા અનેક લોકો આજે કોઇની સમક્ષ ઉભા રહી શકે તેમ નથી તેવી હાલતમાં મુકાઇ ગયા છે. એક અંદાજ મુજબ ભુપેન્દ્રસિંહ ઝાલાએ અંદાજે ૧૦ હજારથી કરોડથી વધુનું રોકાણ મેળવીને તેઓ હાલ તો અદ્રશ્ય થઇ ગયા છે. પણ જયારે સીઆઇડી ક્રાઇમ તેમને ઝડપી લેશે ત્યારે શું હાલ થશે તે અત્યારે કહેવુ મુશ્કેલ છે.
તો બીજી તરફ રોકાણકારો એવુ પણ કબુલે છે કે અમે લાલચમાં આવી જઇને ભુપેન્દ્રસિંહ ઝાલાની પોન્ઝી સ્કીમોમાં રોકાણ કરી દીધુ છે. હાલ તો અમો પરિવાર સમક્ષ પણ કઇ જ બોલી શકતા નથી. તેમ છતા મહેનતથી કમાણી પાછી મળે તે માટે સરકાર અને ન્યાયતંત્રએ વ્હારે આવવું જોઇએ.