નવી દિલ્હી : ભારતીય શૂટર મનુ ભાકર અને સૌરભ ચૌધરીની જોડીએ તાઇપેઇના તાઓયુઆન ખાતે રમાઇ રહેલી 12મી એશિયન એરગન ચેમ્પિયનશિપમાં બુધવારે 10 મીટર એર પિસ્તોલ મીક્ષ્ડ ટીમ ક્વોલિફિકેશનમાં નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને તે પછી બંનેએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. આ બંનેએ તેનાથી એક મહિના પહેલા જ દિલ્હીમાં આઇએસએસએફ વર્લ્ડકપની આજ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ક્વોલિફિકેશનમાં 17 વર્ષિય મનુ અને 16 વર્ષિય સૌરભે મળીને 784 પોઇન્ટ મેળવીને રશિયાની વિતાલીના બાતસરાસકિના અને આર્તમ ચેર્નોસોવ દ્વારા પાંચ દિવસ પહેલા જ યૂરોપિયન ચેમ્પિયનશિપમાં બનાવેલા રેકોર્ડનેં તોડ્યો હતો. ભારતીય જોડીએ પાંચ ટીમોની ફાઇનલમાં 484.8 પોઇન્ટ મેળવીને પહેલો ક્રમ મેળવવા સાથે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. કોરિયાની હ્યુંગ સિયોનગુન અને કિમ મોઝની જોડીએ 481.1 પોઇન્ટ મેળવીને સિલ્વર જ્યારે તાઇપેઇની ચિયા યિંગ તેમજ કોઇ કુઆન તિંગે 413.3 પોઇન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતની અન્ય એક જોડી અનુરાધા અને અભિષેક વર્માએ પણ ફાઇનલ્સમાં સ્થાન મેળવ્યું હતું પણ તેઓ 372.1 પોઇન્ટ મેળવીને ચોથા સ્થાને રહ્યા હતા.
