મિયામી : સતત 7મીવાર મિયામી ઓપન એટીપી ટાઇટલ જીતવાનું નોવાક જોકોવિચનું સપનુ મંગળવારે રોબર્ટો બાતિસ્તા આગુટે તોડી નાંખ્યું હતું. આગુટે આ મેચમાં પહેલો સેટ ગુમાવ્યા પછી મેચમાં વાપસી કરીને જોકોવિચને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાકું કર્યું હતું. આગુટ પહેલો સેટ 1-6થી હાર્યો હતો, જો કે તે પછી તેણે મેચમાં જે રીતે વાપસી કરીને મેચ જીતી તેનાથી બધા નવાઇ પામ્યા હતા.
બીજા સેટ દરમિયાન વરસાદને કારણે રમત થોડો સમય બંધ રહી હતી. અને તે પછી આગુટે જોરદાર વાપસી કરી હતી. અને ંતે તેણે આ મેચ 1-6, 7-5, 6-3થી જીતી લીધી હતી. આગુટે કહ્યું હતું કે ચોક્કસપણે આ વિજય મારા માટેં ખાસ મહત્વ ધરાવે છે. મેં માત્ર આક્રમક રમત રમવાનો પ્રયાસ કર્યો અને તેના કારણે મને જીત મળી છે એવું તેણે ઉમેર્યું હતું. આગુટ હવે પછી ક્વાર્ટર ફાઇનલમાં જોન ઇસનર સામે રમશે. જેણે બ્રિટનના કાઇલ એડમંડને 7-6, 7-6થી હરાવીને કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. કેનેડાના ફેલિક્સ આગુર અલિસીમેએ જ્યોર્જિયાના નિકોલાજ બાસિલશવિલીને 7-6, 6-4થી જ્યારે બોર્ના કોરિચે નિક કિર્ગિયોસને 4-6, 6-3, 6-2થી હરાવ્યો હતો.
