નવી દિલ્હી : દેશમાં બેરોજગારીની પરિસ્થિતિ શું છે, તેનો અંદાજ રેલવેના નીચલા પદો માટે બહાર પડેલી ભરતીની અરજીઓ પરથી લગાવી શકાય છે. ગેંગમેન, કેબીનમેન, હેલ્પર્સ, કીમેન, ટ્રેકમેન અને વેલ્ડર જેવી રેલવેની લેવલ – 1 પદો માટે એન્જિનિયરિંગ, મેનેજમેન્ટ અને વિજ્ઞાન તેમજ કોમર્સમાં સારી ડિગ્રી મેળવનાર લોકોએ પણ મોટી સંખ્યામાં અરજી કરી છે. રેલવે તરફથી જારી કરવામાં આવેલી જાહેરાતમાં 62.907 પદો પર ઓછામાં ઓછી ધોરણ 10 પાસની લાયકાત માંગવામાં આવી છે. આ સાથે જ આઈટીઆઈ સર્ટિફિકેટ અથવા નેશનલ અપ્રેટિંસશીપ સર્ટિફિકેટ જ માંગવામાં આવ્યા છે. તેની સામે આ સારી અને ઉંચી ડિગ્રી ધરાવતા લોકોએ આ પદો માટે અરજી કરી છે.
મીડિયાના અહેવાલ અનુસાર, આ પદો માટે 1.9 કરોડ 10મુ પાસ યુવાનોની સાથે જ 48.48 લાખ અંડરગ્રેજ્યુએટ અને અનુસ્નાતક યુવાઓએ આ પદ માટે અરજી કરી છે. રેલવેએ 75,500 ઉમેદવારોની પસંદગી કરી છે. ગયા વર્ષે રેલવે દ્વારા જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, નવા કર્મચારીઓને દર મહિને પગાર 18,000 રૂપિયા મળશે અને અન્ય ભથ્થાં આપવામાં આવશે.
રેલવે અનુસાર, આ પદો માટે 4.91 લાખ અંડરગ્રેજ્યુએટ એન્જિનિયરો અને 41,000 અનુસ્નાતક ઇજનેરોએ અરજી કરી છે. અંડરગ્રેજ્યુએટ મેનેજમેન્ટ પ્રોગ્રામ અને અનુસ્નાતકના 86,000 વિદ્યાર્થીઓએ અરજી કરી છે. રેલ્વેને લેવલ 1 માં આ પદો માટે 2 કરોડ અરજીઓ મળી છે, જેને મુદ્દો બનાવતા વિરોધ પક્ષોએ કેન્દ્રની મોદી સરકાર પર બેરોજગારીને લઈને નિશાનો સાધ્યો છે.
જો કે, સરકારે જાળવી રાખ્યું હતું કે, કોઈપણ સરકારી નોકરી માટે ઉચ્ચ સંખ્યામાં અરજદારો અરજી કરતા હોય છે. તે દેશની નોકરીની પરિસ્થિતિને સમજવા માટેના માપદંડ હોઈ શકે નહીં કારણ કે લોકો સ્થિરતા અને અન્ય લાભો માટે સરકારી નોકરીઓ માટે અરજી કરતા હોય છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આ પોસ્ટ માટે અરજદારો અરજી કરતી વખતે ઘણા અરજદારો કામ કરતા જ હોય છે અને કેટલાક અરજદારો પહેલેથી જ સારી નોકરી પર હોય છે. જેઓ સરકારી નોકરી મેળવવા માટેથી એમાં અરજી કરતા હોય છે.