મહારાષ્ટ્રના નવા સીએમ કોણ હશે તેને લઈને રાજકીય ગરમાવો ચાલી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મહારાષ્ટ્રના સીએમ તરીકે દેવેન્દ્ર ફડણવીસનું ફરી એક વાર વાપસી નિશ્ચિત માનવામાં આવે છે. ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડણવીસ ફરી એકવાર મુખ્યમંત્રી બનવાની તૈયારી કરી રહ્યા છે. જ્યારે એકનાથ શિંદે અને અજીત પવાર ડેપ્યુટી સીએમ બની શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેવેન્દ્ર ફડણવીસ દિલ્હી જવા રવાના થઈ ગયા છે. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ તરીકે શપથ લેશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ફડણવીસ 27 કે 28 નવેમ્બરે શપથ લઈ શકે છે.
ભાજપના સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટીના ટોચના નેતૃત્વએ ફડણવીસના નામને મંજૂરી આપી દીધી છે. આ પ્રસ્તાવ શિવસેના (શિંદે જૂથ) અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના સમર્થનથી કરવામાં આવ્યો છે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ પુષ્ટિ આપી હતી કે “મુખ્યમંત્રી પદ માટે ફડણવીસનું નામ ફાઈનલ થઈ ગયું છે.
આ રીતે બની શકે છે મંત્રી મંડળ
સત્તાની વહેંચણીને લઈને ગઠબંધન વચ્ચે સર્વસંમતિ રચાઈ રહી છે. શિવસેનાને લગભગ 12 મંત્રી પદ અને મહત્વના વિભાગો મળવાની શક્યતા છે. NCPને લગભગ 10 મંત્રી પદ મળી શકે છે. મહારાષ્ટ્ર કેબિનેટની મહત્તમ મર્યાદા 43 મંત્રીઓની છે, જેમાંથી ભાજપ પોતાના માટે 21 પદ રાખવાનું વિચારી રહી છે.
ભાજપ ગૃહ, નાણા, શહેરી વિકાસ અને મહેસૂલ જેવા મહત્વના વિભાગો પોતાની પાસે રાખવા માંગે છે. જો કે ગઠબંધનના ભાગીદારોને સંતુષ્ટ કરવા માટે તેમને કેટલાક પોર્ટફોલિયો પણ આપવામાં આવી શકે છે. ગૃહ અને નાણાં વિભાગ પર ભાજપનો વિશેષ ભાર છે.
અમિત શાહની દિલ્હીમાં મહત્વની બેઠક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ સમગ્ર મુદ્દે અંતિમ નિર્ણય લેવા માટે દિલ્હીમાં બેઠક બોલાવી છે. બેઠક બાદ કેબિનેટની રચના અને વિભાગોની વહેંચણીને આખરી ઓપ આપવામાં આવશે. બેઠક બાદ ગઠબંધન સરકારની જાહેરાત થવાની સંભાવના છે.