1877માં જ્યારે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની ટીમ વચ્ચે પ્રથમ સત્તવાર ટેસ્ટ રમાઇ તે દિવસથી જ ક્રિકેટના આ સૌથી જૂના ફોર્મેટમાં ખેલાડીઓ સફેદ અથવા તો ક્રીમ રંગના ક્પડામાં જોવા મળે છે. જો કે હવે આ બંને ટીમો જ ક્રિકેટના આ સૌથી જૂના ફોર્મેટમાં 142 વર્ષ પછી આ પરંપરા તોડવા જઇ રહી છે. આ વર્ષે જુલાઇમાં યોજાનારી એશિઝ સિરીઝમાં બંને ટીમના ખેલાડીઓ ટીશર્ટ પર નામ અને નંબર સાથે મેદાન પર ઉતરી શકે છે.
અંગ્રેજી અખબાર ધ ગાર્ડિયનના અહેવાલ અનુસાર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના આ પ્રસ્તાવને હજુ આઇસીસી બોર્ડ દ્વારા મંજૂરી મળવાની બાકી છે, પણ એવું લાગી રહ્યું છે કે 1લી ઓગસ્ટથી એજબેસ્ટનમાં શરૂ થનારી એશિઝ સિરીઝ કે જે આઇસીસીની વર્લ્ડ ચેમ્પિયનશિપની પ્રથમ ટેસ્ટ હશે તેનાથી આ ફેરફાર જોવા મળી શકે છે.
એમસીસી દ્વારા 13000 લોકો વચ્ચે કરાયેલા સર્વેમાં 86 ટકા લોકોએ ટેસ્ટ ક્રિકેટને પોતાના ગમતા ફોર્મેટ તરીકે ગણાવ્યું હતું. જો કે રમતની વૈશ્વિક સંસ્થા નવી ટેસ્ટ ચેમ્પિયનશિપ વડે રમતના આ ફોર્મેટને વધુ લોકપ્રિય બનાવવા માગે છે. આઇસીસીનું પણ માનવું છે કે નંબર અને નામ ટીશર્ટ પર લખવાથી મેદાન પર ખેલાડીઓને ઓળખવા સરળ થઇ પડશે.
ટીશર્ટ પર નામ અને નંબર લખાતા ખેલાડીઓને બ્રાન્ડ બનવામાં પણ સરળતા રહેશે અને તેમની ટીશર્ટની રેપ્લિકા બજારમાં આવી જશે. ખેલાડીઓ 1થી 99ની વચ્ચેના ટીશર્ટ નંબર પસંદ કરી શકશે. એવી આશા રાખવામાં આવે છે કે મોટાભાગના ખેલાડીઓ મર્યાદિત ઓવરોની મેચમાં પોતાનો જે નંબર છે તે જ ટેસ્ટ ક્રિકેટમાં પણ જાળવી રાખશે.
વનડે ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાએ 1970ના દશકમાં વર્લ્ડ સિરીઝ ક્રિકેટ શરૂ થયા પછી રંગીન ટીશર્ટમાં રમવાનું શરૂ કરી દીધું હતું. તે પછી 1992માં વર્લ્ડ કપ પણ રંગીન કપડા પહેરીને રમાયો હતો. તેમાં ખેલાડીઓના નામ લખાતા હતા અને 1999 પછી ખેલાડીઓના ટીશર્ટ નંબર પણ તેના પર લખાવા માંડ્યા હતા.
ઇંગ્લેન્ડમાં રમાતી ડોમેસ્ટિક ફર્સ્ટ ક્લાસ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 2003થી જ ટીશર્ટ પર નામ અને નંબર લખાવા માંડ્યા છે. ટેસ્ટ ક્રિકેટ શરૂ થયા પછી જોકે માત્ર એક જ ફેરફાર આવ્યો છે. 2001માં ઇંગ્લેન્ડના ખેલાડીઓએ પોતાની કેપ પર ખેલાડીઓના નંબર લખવાનું ચાલુ કર્યું છે. તે પછી બાકીની ટીમોએ પણ તેને અનુસરીને એમ કરવાનું ચાલુ કરી દીધું છે.
