હાલમાં ભારતની એમઆરએફ પેસ એકેડમીના નિર્દેશક તરીકે કામગીરી કરી રહેલા ઓસ્ટ્રેલિયાના માજી ઝડપી બોલર ગ્લેન મેકગ્રાએ હાલમાં જ વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયન ટીમના વિજયની આશા સંબંધે તેમજ ભારતીય ઝડપી બોલર અને વિરાટ કોહલી અંગે થોડી વાતચીત કરી હતી. સાથે જ તેણે સ્મીથ અને વોર્નર ટીમ સાથે જોડાવાથી શું ફરક પડશે તે અંગે પણ ચર્ચા કરી હતી.
ત્રણવાર વર્લ્ડકપ જીતનારી ટીમનો હિસ્સો રહેલા ગ્લેન મેકગ્રાએ કહ્યું હતું કે મારી નજરે ભારતીય ટીમના મિશન વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહ મહત્વના પુરવાર થઇ શકે છે. મેકગ્રાના મતે ભુવનેશ્વર એક સ્વિંગ બોલર છે અને તેણે ઇંગ્લેન્ડમાં સારું પ્રદર્શન કરવું પડશે. તે ઘણી સમજદારી પૂર્વક બોલિંગ કરે છે. વધુમાં તેણે કહ્યું હતું કે વનડે ક્રિકેટમાં બુમરાહનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. તે ડેથ ઓવરોમાં જે સ્પીડથી યોર્કર બોલ ફેંકે છે તે કમાલના હોય છે. તેણે કહ્યું હતું કે હું બુમરાહનો મોટો પ્રશંસક છું, તે પોતાની રમતને અલગ જ લેવલે લઇ ગયો છે.
તેણે કહ્યું હતું કે ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મીથના ઓસ્ટ્રેલિયન ટીમમાં આવવાથી પસંદગીકારોની સમસ્યા વધી જશે, જો કે દરેક પસંદગીકાર એવું ઇચ્છે છે તે તેની પાસે વધુ વિકલ્પ હોય. તેના મતે વોર્નર ઓપનર તરીકે ટીમમાં સામેલ થશે એટલે ઉસ્માન ખ્વાજા ત્રીજા ક્રમે અને સ્મીથ ચોથા ક્રમે બેટિંગમાં આવી શકે છે. તેના મતે ભારતીય ટીમ સામેની વનડે સિરીઝમાં મળેલા વિજયથી ઓસ્ટ્રેલિયન ટીમનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને વર્લ્ડરકપમાં તેમની આશાઓ પહેલા કરતાં વધી છે.
વિરાટ કોહલી બાબતે મેકગ્રાએ જણાવ્યું હતું કે તે એક ક્લાસ પ્લેયર છે. તેની કેરિયરના અંતે તેનું નામ બ્રાયન લારા અને સચિન તેંદુલકરની સાથે તેનું નામ લેવાતું થશે. કોહલી આક્રમક કેપ્ટન અને ખેલાડી છે. તે રમતમાં પૂરી રીતે લીન થઇ જાય છે. પહેલા કરતાં તે ઘણો પરિપક્વ થઇ ગયો છે અને પોતાની રમતને સારી રીતે સમજે છે.
