ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 12મી સિઝન શરૂ થવા પહેલા તેની સત્તાવાર બ્રોડકાસ્ટર સ્ટાર ઇન્ડિયા લિમિટેડને બીસીસીઆઇ દ્વારા એક આકરો ઝાટકો આપવામમાં આવ્યો છે. બીસીસીઆઇ દ્વારા આઇપીએલના લાઇવ પ્રસારણ દરમિયાન રાજકીય જાહેરાતો દર્શાવવાની સ્ટાર ઇન્ડિયાની માગ ફગાવી દીધી છે. સ્ટાર ઇન્ડિયા દ્વારા બીસીસીઆઇ પાસે આઇપીએલના પ્રસારણમાં રાજકીય જાહેરાતો દર્શાવવાની મંજૂરી માગી હતી જેને મંગળવારે બીસીસીઆઇએ ફગાવી દીધી હતી.
એક અહેવાલ અનુસાર સ્ટાર ઇન્ડિયા ઇચ્છતું હતું કે મીડિયા રાઇટ્સ એગ્રીમેન્ટની કલમ 8.6 (બી)નો અંત લાવી દેવામાં આવે, કે જેથી મેચના પ્રસારણ દરમિયાન રાજકીય જાહેરાતો બતાવવાની મંજૂરી મળી જાય. આ કલમ હેઠલ મેચના પ્રસારણ દરમિયાન રાજકીય અને ધાર્મિક જાહેરાતોના પ્રસારણ પર રોક મુકાયેલી છે. 18 માર્ચે આ સંદર્ભે બીસીસીઆઇએ બેઠક કરીને આ મુદ્દા પર વિસ્તૃત ચર્ચા કરી હતી. આ બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે પ્રસારણ સંબંધી પોતાની જે હાલની નીતિ છે તેમાં તે કોઇ ફેરફાર નહીં કરે. બીસીસીઆઇએ એવું સ્પષ્ટ કરી દીધું હતું કે તે કોઇપણ દ્વિપક્ષીય, ઇન્ટરનેશનલ કે પછી ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં રાજકીય કે ધાર્મિક જાહેરાત મેચ દરમિયાન દર્શાવવાની પરવાનગી નહીં આપે. સ્ટાર ઇન્ડિયા આઇપીએલ દરમિયાન લોકસભા ચૂંટણીને ધ્યાને લઇને રાજકીય જાહેરાતો દર્શાવીને રોકડી કરી લેવા માગતું હતું પણ બીસીસીઆઇએ તેનો ઇરાદો બર આવવા દીધો નથી.
