સ્પેનિશ લીગ લા લીગામાં લિયોનલ મેસીની હેટ્રિકની મદદથી બાર્સિલોનાઍ રિયલ બેટિસને 4-1થી હરાવ્યું હતું. મેસી ઉપરાંત બાર્સિલોના વતી લુઇસ સુઆરેઝે ઍક ગોલ કર્યો હતો. મેસીની રિયલ બેટિસ સામે આ ત્રીજી હેટ્રિક હતી જ્યારે લા લીગમાં તેની આ 33મી હેટ્રિક હતી. આ ટુર્નામેન્ટમાં સર્વાધિક હેટ્રિકનો રેકોર્ડ યૂવેન્ટ્સના રોનાલ્ડોના નામે છે, જેણે કુલ 34 હેટ્રિક ફટકારી છે.
બાર્સિલોના આ ટુર્નામેન્ટમાં છેલ્લી 16 મેચથી અજેય રહ્યું છે. તે લીગમાં અત્યાર સુધી ૨૮ મેચ રમી ચુક્યું છે. તેમાંથી 20માં તેનો વિજય થયો હતો. જ્યારે 6 મેચ ડ્રો રહી છે અને બે મેચમાં તેનો પરાજય થયો છે. આ સાથે બાર્સિલોના લા લીગાના પોઇન્ટ ટેબલમાં 66 પોઇન્ટ સાથે ટોચના સ્થાને બેઠું છે અને સીઝનના સમાપન આડે હજુ 10 મેચ બાકી છે. બીજા સ્થાને 56 પોઇન્ટ સાથે ઍટલેટિકો મેડ્રિડ છે, જ્યારે ત્રીજા સ્થાને 54 પોઇન્ટ સાથે રિયલ મેડ્રિડ છે.
બાર્સિલોનાના ઇતિહાસમાં ઍવો કોઇ ખેલાડી નથી કે જેણે મેસી કરતાં વધુ મેચ જીતી હોય. મેસીઍ બાર્સિલોના વતી 674 મેચ રમી છે જેમાંથી 477 મેચ તેણે જીતી છે. તેના પહેલા આ રેકોર્ડ જાવીના નામે હતો, જો કે તે મેસી કરતાં વધુ કુલ 767 મેચ રમવાનો રેકોર્ડ ધરાવે છે.
