ઇન્ડિયન્સ વેલ્સ ટેનિસ ટુર્નામેન્ટની રવિવારે મોડી રાત્રે રમાયેલી ફાઇનલમાં ડોમિનિક થિએમે દિગ્ગજ ટેનિસ ખેલાડી રોજર ફેડરરને હરાવીને પોતાનું પ્રથમ એટીપી માસ્ટર્સ 1000 ટાઇટલ જીત્યું હતું. થિએમ સામેના આ પરાજયને કારણે ફેડરર વિક્રમી છઠ્ઠીવાર આ ટાઇટલ જીતવાથી વંચિત રહી ગયો હતો. ઓસ્ટ્રિયાના ખેલાડી થિએમે લગભગ બે કલાક અને બે મિનીટ સુધી ચાલેલી આ મેચમાં ફેડરરને 3-6, 6-3, 7-5થી હરાવ્યો હતો. આ પહેલા થિએમ બે વાર મેડ્રિડ માસ્ટર્સની ફાઇનલમાં હારીને રનર્સઅપ રહ્યો હતો.
થિએમ માટે આ વિજય એટલા માટે પણ મહત્વનો છે કે હાર્ડ કોર્ટ પર તેણે ફેડરરને પ્રથમવાર હરાવ્યો છે. બંને વચ્ચે આ સાથે રમાયેલી પાંચ મેચમાં થિએમનો રેકોર્ડ 3-2નો થઇ ગયો છે. વળી ફેડરરે પ્રથમ સેટ સાવ સરળતાથી જીત્યો હોવા છતાં થિએમે તે પછી રમત પર કાબુ મેળવીને બાકીના બે સેટ જીતી લઇને ફેડરરને હરાવ્યો હતો. વર્લ્ડ રેન્કિંગમાં 8માં સ્થાને બેઠેલો ફેડરર આ સાથે જ 1997માં થોમસ મુસ્ટર પછી માસ્ટર્સ 1000 ટાઇટલ જીતનારો પ્રથમ ઓસ્ટ્રિઅન ખેલાડી બન્યો હતો.