Gujarat: ગુજરાતના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30થી 55 ટકા સુધીનો વધારો
Gujarat: ગુજરાતની સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે સેવારત 11 માસના કરાર આધારિત તબીબી શિક્ષકોના માસિક વેતનમાં 30 થી 55% સુધીનો વધારો કરવાનો હિતકારી નિર્ણય ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. તબીબી શિક્ષકોના માસિક વેતનમાં થયેલા નોંધપાત્ર વધારાના પરિણામે હોસ્પિટલમાં તબીબો અને શિક્ષકોની ઘટ નિવારવામાં મદદ મળશે.
રાજ્ય સરકારના મહત્વપુર્ણ નિર્ણય સંદર્ભે વધુ વિગતો આપતા
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલમાં ખાનગી પ્રેક્ટિસ સિવાય ફરજરત આ તબીબી શિક્ષકોને માસિક વેતનમાં થયેલ નોંધપાત્ર વધારાનો લાભ મળશે. આ નિર્ણય અનુસાર પ્રાધ્યાપક વર્ગ-1ના પ્રોફેસરને હાલ ?.1,84,000 માસિક વેતન ચૂકવવામાં આવે છે જે હવેથી 2,50,000 થશે.
જ્યારે સહ પ્રાધ્યાપક વર્ગ-1ને 1,67,500ની જગ્યાએ 2,20,000, મદદનીશ પ્રાધ્યાપક વર્ગ-1ને 89,400ની જગ્યાએ 1,38,000 અને ટયુટર વર્ગ-2ને 69,300ની જગ્યાએ 1,05,000 માસિક વેતન ચૂકવવામાં આવશે. આરોગ્ય વિભાગના તા. 9/10/2024ના ઠરાવથી નિર્ણય અમલી બનશે.