Pune Helicopter Crash:મહારાષ્ટ્રના પુણેમાં આકાશમાં ઉડતી વખતે હેલિકોપ્ટર ક્રેશ, 2 પાયલોટ સહિત ત્રણ લોકોના મોત
Pune Helicopter Crash: મહારાષ્ટ્રના પુણેના પિંપરી ચિંચવડ શહેરમાં બાવધન બુદ્રુક ગામ પાસે બુધવારે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. સ્થાનિક ગ્રામજનોએ હેલિકોપ્ટર ક્રેશ અંગે હિંજેવાડી પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. કંટ્રોલ રૂમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મળતા જ પોલીસ અને મેડિકલ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
જો કે છેલ્લી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સવાર ત્રણેય વ્યક્તિઓના મોત થયા છે. જ્યારે આ અકસ્માત થયો ત્યારે આ હેલિકોપ્ટર ઓક્સફોર્ડ ગોલ્ફ રિસોર્ટથી મુંબઈ તરફ જઈ રહ્યું હતું.
હેલિકોપ્ટર ક્રેશની આ ઘટના પિંપરી ચિંચવડ પોલીસ કમિશનરેટની હિંજેવાડી પોલીસ હદના બાવધન વિસ્તારમાં પર્વત પર બની હતી. સ્થાનિક પ્રશાસન અને પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ અકસ્માતથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થયું તે સ્થળે સ્થાનિક લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી. અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી.