Ahmedabad: અમદાવાદમાં આવું પણ બન્યું, અનુપમ ખેરના ફોટોવાળી 1.30 કરોડની બોગસ નોટો પધરાવી સોનુ લઈને ગઠિયાઓ થયા ફરાર
Ahmedabad:અમદાવાદમાં આવેલા જ્વેલર્સને 1.30 કરોડની બોગસ નોટો પધરાવીને 2100 ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયેલા ગઠિયાઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં મહાત્મા ગાંધીજીના ફોટાને બદલે અનુપમ ખેરના ફોટાવાળી રૂ. 1.30 કરોડની નોટો પકડાઈ છે.
Ahmedabad: આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં કરોડો રૂપિયાનું સોનું ખરીદવા માટે એક આંગડિયા પેઢી ઊભી કરવામાં આવી હતી. એટલું જ નહીં 2100 ગ્રામ સોનું ખરીદવા માટે 1 કરોડ 60 લાખની ડીલ થઈ હતી.
સોનીની દુકાનના કર્મચારીઓ સોનું લઈને ત્યાં પહોંચ્યા ત્યારે અગાઉ હાજર બે શખસે તેમને બેન્કના સ્ટેમ્પવાળી 1 કરોડ 30 લાખની નોટ બતાવી અને કહ્યું તમે મને સોનું આપો એટલે હું બાજુની દુકાનમાંથી રૂ. 30 લાખ લઈ આવું છું. ત્યાં સુધી તમે મશીનમાં નોટો ગણી લો. ત્યાર બાદ સોનું લઈને ગઠિયાઓ નીકળી ગયા હતા. જોકે જ્યારે નોટો ગણાતી હતી ત્યારે ખબર પડી કે આ નોટો નકલી હતી અને નોટો પર ગાંધીજીની જગ્યાએ બોલિવૂડ અભિનેતા અનુપમ ખેરનો ફોટો હતો.
આ અંગે શહેરના પ્રહલાદનગરના મેહુલ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખસો વિરુદ્ધ
છેતરપિંડીની ફરિયાદ કરી હતી. મેહુલ ઠક્કર માણેક ચોક ખાતે મેહુલ બુલિયનનાં નામથી સોના ચાંદીનો ધંધો કરે છે. તેમને 23 સપ્ટેમ્બરના રોજ સીજી રોડ પર આવેલી લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલનો ફોન આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, 2100 ગ્રામ સોનું ખરીદવું છે તો ભાવ શું છે. મેહુલભાઈ વર્ષોથી ધંધો કરતા હોવાથી પ્રશાંત પટેલને ઓળખતા હતા. મેહુલ ઠક્કર પ્રશાંત પટેલ સાથે 2100 ગ્રામ સોનાનો સોદો રૂ. 1.60 કરોડમાં નક્કી કર્યો હતો અને બીજા દિવસે સોનું મગાવી દેશે એમ જણાવ્યું હતું.
24 સપ્ટેમ્બરે બપોરે પ્રશાંત પટેલે મેહુલ ઠક્કરને ફોન કરી જણાવ્યું હતું કે
ગોલ્ડની ડિલિવરી લેનાર પાર્ટીને તાત્કાલિક ગોલ્ડ જોઈએ છે અને હાલમાં આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર કરી શકે તેમ નથી. જેથી તેઓ સિક્યોરિટી પેટે રોકડ રકમ આપશે અને બીજા દિવસે આરટીજીએસથી રોકડ મોકલી આપશે ત્યારે સિક્યોરિટી પેટે આપેલી રકમ પાછી આપવાની રહેશે. પ્રશાંત પટેલે મેહુલ પટેલને કહ્યું હતું કે, ગોલ્ડ ખરીદનારી પાર્ટી સીજી રોડ ખાતે કાંતિલાલ મદનલાલ એન્ડ કંપની નામની આંગડિયા પેઢીમાં આવવાના છે અને ત્યાં જ પેમેન્ટ આપી દેશે અને સામે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવાની છે.
ત્યાર બાદ મેહુલ ઠક્કરે પોતાને કામ કરતા કર્મચારી ભરત જોષીને આપીને ડિલિવરી લેનાર અજાણ્યા શખ્સનો નંબર પણ આપ્યો હતો. ભરત જોષી ગોલ્ડ લઇને આંગડીયા પેઢીને ત્યાં પહોંચ્યા ત્યારે ત્રણ લોકો ત્યાં હાજર હતા. જેમાં અજાણ્યા શખ્સ અને એક સરદારજીનો વેશ ધારણ કરી આવનાર શખ્સે સોનુ ખરીદનાર તરીકે પોતાની ઓળખ આપી હતી. જ્યારે એક વ્યક્તિને રોકડની ગણતરી કરવા માટે કાઉન્ટિંગ મશીન લાવ્યો હતો.
સોનુ ખરીદનાર અજાણ્યા શખ્સોએ 500ની નોટના બંડલો લઇને ટેબલ પર મૂક્યા હતા,
જેમાં પાંચ લાખનું એક એવા 26 બંડલો હતા. બન્ને ગઠિયાઓએ રૂ. 1.30 કરોડ રૂપિયા હોવાનું ભરત જોષીને કહ્યું હતું. સરજદારજીના વેશમાં આવેલા ગઠિયાએ ભરત જોષીને કહ્યું કે, તમે ગોલ્ડની ડિલિવરી આપો અને હું ત્યાં સુધીમાં બાજુની દુકાનમાં રૂ. 30 લાખ લઈને આવું છું પરંતુ ભરત જોષીએ રૂપિયા બહાર કાઢયા ત્યારે તે ડુપ્લિકેટ હોવાનું માલૂમ પડયું હતું. તે દરમિયાન અજાણ્યા શખ્સો ચૂપચાપ આંગડિયા પેઢીમાંથી જતા રહ્યા હતા.
આ બાબતે મેહુલ ઠક્કરે પ્રશાંત પટેલને જાણ કરી હતી. ત્યાર બાદ મેહુલ ઠક્કર અને પ્રશાંત ઠક્કર બન્ને આંગડિયાની ઓફિસ ખાતે ગયા હતા ત્યારે જાણવા મળ્યું હતું કે બન્ને શખ્સોએ બે દિવસ પહેલાં જ આંગડિયા પેઢીની શરૂઆત કરી હતી ત્યારે મેહુલ ઠક્કરે અજાણ્યા શખ્સને ફોન કરતા ફોન બંધ આવતા મેહુલ ઠક્કરને છેતરપિંડીની જાણ થઈ હતી. તેથી તેણે નવરંગપુરા પોલીસ સ્ટેશને ફરિયાદ કરી હતી, પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.