ભારતની સૈન્ય શક્તિથી ડરી ગયેલા પાકિસ્તાને ફરી UN માં Kashmir મુદ્દો ઉઠાવ્યો
Pakistan : પાડોશી દેશ પાકિસ્તાનની ગભરાટ ફરી એકવાર સામે આવી છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ના મંચ પરથી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને ભારત પર પાયાવિહોણા આરોપો લગાવ્યા. શુક્રવારે પોતાના સંબોધનમાં શરીફે ભારત પર કાશ્મીરમાં ગેરકાયદેસર ગતિવિધિઓનો આરોપ લગાવ્યો અને કહ્યું કે જો ભારત શાંતિ ઈચ્છે છે તો તેણે કલમ 370 હટાવવી પડશે.
પાકિસ્તાને યુએનના મંચ પર ફરીથી કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે ભારતે 5 ઓગસ્ટ, 2019 ના રોજ લીધેલા તેના એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાં પાછા લેવા પડશે. એટલું જ નહીં, શાહબાઝ શરીફે ભારત પર પાકિસ્તાની સરહદ પર સૈન્ય વિસ્તરણ અને હુમલાની યોજના કરવાનો આરોપ પણ લગાવ્યો હતો.
પાકિસ્તાને ફરી એકવાર કાશ્મીરનું ગીત ગાયું છે
શાહબાઝ શરીફે પોતાના ભાષણમાં કહ્યું, “ભારતે જમ્મુ અને કાશ્મીર મુદ્દાને શાંતિ માટે યુએન સુરક્ષા પરિષદના ઠરાવ અને કાશ્મીરી લોકોની ઈચ્છા મુજબ ઉકેલવો પડશે.” શરીફે એવો પણ આક્ષેપ કર્યો હતો કે ભારત તેના સૈન્ય સંસાધનોનો વિસ્તાર કરીને પાકિસ્તાન સામે આક્રમક વ્યૂહરચના બનાવી રહ્યું છે. શહેબાઝ શરીફે કહ્યું કે, “પાકિસ્તાન આવા કોઈપણ ભારતીય આક્રમણનો નિર્ણાયક જવાબ આપશે.”
ભારતની સૈન્ય વ્યૂહરચનાનો ઉલ્લેખ કરતા પાકિસ્તાનના વડા પ્રધાને દાવો કર્યો હતો કે ભારતની યુદ્ધ નીતિમાં પાકિસ્તાન પર સીમાપારથી હુમલા અને મર્યાદિત યુદ્ધની યોજનાનો સમાવેશ થાય છે. તેમણે એમ પણ કહ્યું કે ભારતે 5 ઓગસ્ટ, 2019 થી જમ્મુ અને કાશ્મીરમાં એકપક્ષીય અને ગેરકાયદેસર પગલાં લીધાં છે, જે યુએનના ઠરાવોની વિરુદ્ધ છે. શરીફના મતે આ પગલાં કાશ્મીર પર અંતિમ ઉકેલ લાદવાના ભારતના ઈરાદાનો એક ભાગ છે.
પાકિસ્તાન સાથેના સંબંધો અંગે ભારતનું વલણ શું છે?
ઉલ્લેખનીય છે કે ભારત પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે તે પાકિસ્તાન સાથે સામાન્ય સંબંધો ઈચ્છે છે, પરંતુ આ માટે પાકિસ્તાને આતંકવાદ અને દુશ્મનાવટથી મુક્ત વાતાવરણ બનાવવું પડશે. ભારતે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચોમાં આતંકવાદને પાકિસ્તાનના સમર્થનનો મુદ્દો ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ અને મંત્રણા એક સાથે ન ચાલી શકે. પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે આતંકવાદ વિરુદ્ધ કડક કાર્યવાહી જરૂરી છે.