Foreign Exchange Reserves: ફોરેન એક્સચેન્જ રિઝર્વ નવી ટોચે પહોંચ્યું, રિઝર્વ $2.83 બિલિયનના ઉછાળા સાથે $692.29 બિલિયન પર પહોંચ્યું.
Foreign Exchange Reserves: ભારતનું ફોરેન એક્સચેન્જ રિઝર્વ નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે. આરબીઆઈના ડેટા અનુસાર, 20 સપ્ટેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં, વિદેશી મુદ્રા ભંડાર $ 2.83 બિલિયન વધીને $ 692.29 બિલિયનની સર્વકાલીન ટોચ પર પહોંચી ગયો છે, જે અગાઉના સપ્તાહમાં $ 689.48 બિલિયન હતો.
ભારતીય રિઝર્વ બેંકે ફોરેક્સ રિઝર્વનો ડેટા જાહેર કર્યો છે, જે મુજબ 20 સપ્ટેમ્બર, 2024ના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વિદેશી મુદ્રા ભંડાર $2.838 બિલિયન વધીને $692.296 બિલિયન પર પહોંચી ગયો છે. હવે વિદેશી મુદ્રા ભંડાર $700 બિલિયનની ઐતિહાસિક ટોચને સ્પર્શવાથી માત્ર $8 બિલિયન દૂર છે. ફોરેન કરન્સી એસેટ્સમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને તે 2.057 બિલિયન ડોલર વધીને 605.686 બિલિયન ડોલર થયો છે. આરબીઆઈના સોનાના ભંડારમાં પણ જોરદાર વધારો થયો છે અને તે 726 મિલિયન ડોલર વધીને 63.61 અબજ ડોલર થઈ ગયો છે. SDR $121 મિલિયનના વધારા સાથે $18.54 બિલિયન રહ્યો. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડમાં જમા ભંડારમાં ઘટાડો થયો છે અને તે 66 મિલિયન ડોલર ઘટીને 4.45 અબજ ડોલર થઈ ગયો છે.
કરન્સી માર્કેટમાં એક ડોલર સામે રૂપિયામાં નબળાઈ જોવા મળી છે. 5 પૈસાની નબળાઈ સાથે રૂપિયો 83.70 રૂપિયાના સ્તરે બંધ થયો હતો જે છેલ્લા સત્રમાં 83.65 હતો.
વિદેશી મુદ્રા ભંડારમાં વધારો થવાનું મુખ્ય કારણ વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs) દ્વારા ભારતીય બજારમાં સપ્ટેમ્બર મહિનામાં જોરશોરથી કરાયેલું રોકાણ છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં એફપીઆઈએ રૂ. 87,000 કરોડનું રોકાણ કર્યું છે અને અત્યાર સુધીમાં માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ એફપીઆઈએ રૂ. 34,000 કરોડથી વધુનું રોકાણ કર્યું છે. આ જ કારણ છે કે ભારતીય શેરબજાર સર્વકાલીન ઊંચાઈ પર છે અને તેની અસર વિદેશી મુદ્રા ભંડાર પર જોવા મળી રહી છે. વર્ષ 2024માં ભારતના વિદેશી મુદ્રા ભંડારમાં $68 બિલિયનથી વધુનો વધારો થયો છે.