Jasprit Bumrah: બુમરાહે ચેન્નાઈમાં કર્યું કારનામું, 400 આંતરરાષ્ટ્રીય વિકેટ લઈને ઈતિહાસ રચ્યો.
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહે ચેન્નાઈમાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરી છે. બુમરાહે આ મેચ દ્વારા 400 આંતરરાષ્ટ્રીય વિકેટ પૂરી કરી લીધી છે. તે 400 કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય વિકેટ લેનારો ભારતનો 10મો બોલર છે. બુમરાહે પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે. આ સાથે તેને એક ખાસ યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો છે.
Jasprit Bumrah: બુમરાહે ભારત માટે અત્યાર સુધીમાં 196 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન સમાચાર લખાય છે ત્યાં સુધી 227 ઇનિંગ્સમાં 400 વિકેટ ઝડપી હતી. બુમરાહનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન એક ઇનિંગમાં 19 રનમાં 6 વિકેટ લેવાનું હતું. બુમરાહે ચેન્નાઈમાં બાંગ્લાદેશ સામે પણ ઘાતક બોલિંગ કરી છે.
બુમરાહે તોડ્યો ભજ્જીનો રેકોર્ડ
બુમરાહે હરભજન સિંહનો રેકોર્ડ તોડ્યો છે. તેણે ભારત માટે સૌથી ઓછી ઇનિંગ્સમાં 400 વિકેટ લેવામાં ભજ્જીને પાછળ છોડી દીધો છે. બુમરાહે 227 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. જ્યારે હરભજને 237 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. આ યાદીમાં રવિચંદ્રન અશ્વિન ટોપ પર છે. તેણે 216 ઇનિંગ્સમાં 400 વિકેટ ઝડપી હતી. જ્યારે કપિલ દેવે 220 ઇનિંગ્સમાં 400 વિકેટ પૂરી કરી હતી.
ફાસ્ટ બોલરોની યાદીમાં છઠ્ઠા નંબર પર બુમરાહ –
ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ વિકેટ લેનારા ઝડપી બોલરોની યાદીમાં બુમરાહ છઠ્ઠા સ્થાને આવી ગયો છે. આ લિસ્ટમાં કપિલ દેવ ટોપ પર છે. તેણે 687 વિકેટ લીધી છે. ઝહીર ખાન 610 વિકેટ સાથે બીજા સ્થાને છે. ત્રીજા નંબર પર જવાગલ શ્રીનાથ છે. તેણે 551 વિકેટ લીધી છે.
https://twitter.com/BCCI/status/1837050690549527028
બાંગ્લાદેશ સામે બુમરાહનો પાયમાલ –
ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશની પ્રથમ ઈનિંગ દરમિયાન જસપ્રિત બુમરાહે જોરદાર બોલિંગ કરી હતી. સમાચાર લખાય છે ત્યાં સુધી તેણે 8 ઓવરમાં 34 રન આપીને 3 વિકેટ ઝડપી છે. આ દરમિયાન 1 મેડન ઓવર પણ નાખવામાં આવી હતી. બુમરાહે શાદમાન ઈસ્લામ, મુશફિકુર રહીમ અને હસન મહમૂદને આઉટ કર્યા હતા.