Apple: એપલે તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ! મેડ-ઇન-ઈન્ડિયા iPhone 16ના પ્રી-ઓર્ડરમાં આટલા બધા યુનિટ વેચાયા.
Apple દ્વારા તાજેતરમાં વૈશ્વિક સ્તરે લોન્ચ કરાયેલા ‘મેડ ઈન ઈન્ડિયા’ iPhone-16 માટે દેશમાં પ્રી-ઓર્ડરમાં વધારો થયો છે. નવો iPhone આજે 20 સપ્ટેમ્બરથી માર્કેટમાં વેચાણ માટે ઉપલબ્ધ થઈ ગયો છે. ગુરુવારે ટ્રેડ એનાલિસ્ટ્સે આ માહિતી આપી હતી. વિશ્લેષકોનું કહેવું છે કે નવા iPhone-16 માટે મોટી સંખ્યામાં ઓર્ડર મળવાને કારણે નિકાસમાં પણ વધારો થવાની ધારણા છે.
આઈફોન-16ને લઈને આ માહિતી બહાર આવી છે
ચેનલ ચેક અનુસાર, iPhone-16 તરફ ખરીદદારોમાં મજબૂત ઝુકાવ છે. તેનું કારણ iPhone 16માં નવા અપડેટ્સ અને 15 સિરીઝની સરખામણીમાં તેની ઓછી કિંમત છે. નવા iPhones ભારતમાં આજથી 20 સપ્ટેમ્બરથી રિટેલ અને ઓનલાઈન બંને સ્ટોર્સમાં ઉપલબ્ધ છે. તેમાં કંપનીના અધિકૃત વિક્રેતાઓ સાથે Apple BKC (મુંબઈ) અને Apple સાકેત (નવી દિલ્હી) ના સ્ટોર્સનો સમાવેશ થાય છે.
નવા iPhoneના બેઝ વેરિઅન્ટની માંગ વધારે છે
કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ ડાયરેક્ટર તરુણ પાઠકે જણાવ્યું કે ગયા વર્ષની સરખામણીમાં આ વખતે નવા iPhoneના બેઝ વેરિઅન્ટની વધુ માંગ છે. તે જ સમયે, કંપનીઓ આકર્ષક ધિરાણ વિકલ્પો પણ પ્રદાન કરી રહી છે. આ કારણથી એવું લાગે છે કે નવી 16 સિરીઝ અગાઉના રેકોર્ડને તોડી નાખશે.
IANS સાથે વાત કરતા, સાયબરમીડિયા રિસર્ચ (CMR)ના ઈન્ડસ્ટ્રી રિસર્ચ ગ્રૂપના વીપી પ્રભુ રામે જણાવ્યું હતું કે ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં પ્રીમિયમ ફોનની વધતી જતી માંગથી Appleને ફાયદો થતો જણાય છે. તેમણે વધુમાં જણાવ્યું કે iPhone-16 સિરીઝ સિવાય 14 અને 13 જેવી જૂની iPhone સિરીઝના વેચાણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ વિશ્લેષક મિંગ-ચી કુઓ કહે છે કે વૈશ્વિક સ્તરે iPhone-16 શ્રેણીના પ્રથમ સપ્તાહના પ્રી-ઓર્ડરનું વેચાણ આશરે 37 મિલિયન યુનિટ્સ હોવાનો અંદાજ છે.
વોલ્યુમની દ્રષ્ટિએ ભારતીય બજારમાં Appleનો હિસ્સો 6 ટકા અને મૂલ્યમાં 16 ટકા છે. ભારતમાં એપલનો બિઝનેસ ઝડપથી વધી રહ્યો છે. 2025 સુધીમાં તેની આવક $10 બિલિયનને પાર કરી શકે છે.