આરોપીઓ પર ગાળિયો કસવા માટે પોલીસ ઘણા પ્રયત્ન કરે છે, ગુનો ઉકેલવા સીસીટીવી ફૂટેજ મહત્વની ભૂમિકા ભજવે છે. કેમેરાના ફૂટેજને લીધે આરોપી પકડાય પણ છે. પરંતુ ખરાબ રિઝોલ્યુશન ને કારણે તેને ઓળખી શકાતો નથી. આવા સંજોગોમાં શંકાસ્પદ આરોપી પોલીસ સકંજામાં આબાદ છટકી જાય છે.
જો કે ગાંધીનગર ખાતે આવેલી ડાયરેક્ટરેટ ઓફ ફોરેન્સિક સાયન્સ દ્વારા ગેઇટ પેટર્ન ટેકનોલોજી દ્વારા વ્યકતીની ચાલવા , ઉઠવા , બેસવા ની રીતભાત એટલે કે બોડીલેંગ્વેજ ને આધારે પણ ઓળખી કાઢવાની ટેક્નોલોજી વિકસાવી છે.
આ અંગે એફ એસ એલ નાં એડિશનલ ડાયરેકટર હિતેશ સંઘવી કહે છે કે ‘દરેક વ્યક્તિની એક ચોક્કસ બોડી લેંગ્વેજ હોય છે, એક રીતે કહીએ તો ફિંગરપ્રિન્ટ ની જેમ યુનિક હોય છે.
ચાલવાની,બેસવાની,વસ્તુ ઉપાડવા ,મુકવા, હાથપગ અને માથા ની મુવનેન્ટ ની એક ચોક્કસ પેટર્ન દરેક વ્યકતીની જુદી જુદી હોય છે. ક્રાઇમસીન ઉપરથી પોલીસને ઘણીવાર સીસીટીવી કેમેરાના ફૂટેજ મળે છે. પરંતુ મોટેભાગે તેમાં એનાલોગ ટાઈપના કેમેરા હોય છે.
આવા કેમેરાનું રિઝોલ્યુશન બહુ સારૂં હોતું નથી. પરિણામે શંકાસ્પદ આરોપીને ઓળખી શકાતો નથી.
આવા સંજોગોમાં કોઈ કેસમાં પોલીસ અમને ક્રાઇમસીન પરથી મળેલા સીસીટીવી ફૂટેજ અને શંકાસ્પદ આરોપીની બોડીલેંગ્વેજ નો વીડિયો રેકોર્ડિંગ મોકલે છે. આ બંને વીડિયો ફૂટેજ જુદી જુદી ઘણીબધી ફ્રેમ થી તપાસતા આરોપીને ઓળખી શકાય છે. અલબત્ત આમાં વીડિયો ફૂટેજ ને એનહેન્સ કરવામાં આવે છે. પણ આરોપીને બોડીલેંગ્વેજથી વૈજ્ઞાનિક ઢબે ઓળખી કઢાય છે.