પાકિસ્તાન અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ ભર્યા માહોલમાં સરકારે પોતાની ટર્મના અંતિમ બજેટની જાહેરાતમાં પણ ડિફેન્સ સેક્ટરને વણી લીધું છે. આ બજેટમાં સરકાર તરફથી 3 લાખ કરોડ રૂપિયાનાં બજેટની જાહેરાત કરી છે. આ પહેલીવાર છે કે 3 લાખ કરોડ રૂપિયા ડિફેન્સને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 2018ની સાથે આ બજેટની તુલના કરવામાં આવે તો 5000 કરોડ જેટલું અંતર છે.
સરકારનું અંતિમ બજેટ રજૂ કરતા નાણા મંત્રી પિયૂષ ગોયલે જણાવ્યું હતું કે, આપણા સૈનિકો ખૂબ મુશ્કેલ હાલતમાં દેશની રક્ષા કરે છે. સરકાર સૈનિકોના હિતનું ધ્યાન રાખે છે. તેમણે જણાવ્યું કે, વન રેન્ક વન પેન્શન યોજના સાથે સરકારે રિટાયર્ડ સૈનિકોને 35 હજાર કરોડ રૂપિયા આપવાનું એલાન કર્યું છે. સૈનિકોની આ માંગ 40 વર્ષથી પેન્ડીંગ પડી હતી. જેને પૂર્ણ કરી મોદી સરકારે માસ્ટર સ્ટ્રોક માર્યો છે.
આ પહેલાના ડિફેન્સ ક્ષેત્રના બજેટનું મૂલ્યાંકન વર્તમાન બજેટ સાથે કરવામાં આવે તો, ડિફેન્સ ક્ષેત્રમાં વર્ષ 2018ના બજેટમાં નાણા મંત્રી અરૂણ જેટલીએ 2,95,511 કરોડ રૂપિયાની જાહેરાત કરી હતી. જેના કરતા આ વર્ષનું બજેટ 5000 કરોડ રૂપિયા વધારી દેવામાં આવ્યું છે. વર્ષ 2017માં ડિફેન્સ સેક્ટરમાં 2.74 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું હતું. એટલે કે નરેન્દ્ર મોદીની સરકારે પોતાના કાર્યકાળમાં સૌથી વધારે ડિફેન્સ ક્ષેત્રમાં બજેટ ફાળવ્યું છે.