ભારતના 15 વર્ષથી ઓછી અને 65 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો નેપાળ અને ભૂટાનની યાત્રા માટે આધાર કાર્ડને માન્ય યાત્રા દસ્તાવેજ તરીકે ઉપયોગ કરી શકશે. ગૃહ મંત્રાલયે તાજેતરમાં જ જારી કરેલી પ્રેસ રીલીઝમાં આ અંગેની જાણકારી આપી હતી.
બંને પાડોશી દેશોની યાત્રા માટે આ બંને વર્ગો ઉપરાંત અન્ય ભારતીય આધાર કાર્ડનો ઉપયોગ નહી કરી શકે. બંને દેશોની યાત્રા માટે ભારતીયોને વીઝા લાની જરૂર હોતી નથી.
રીલીઝમાં જણાવવામાં આવ્યું છે કે નેપાળ અને ભૂટાન જનારા ભારતીય નાગરિકો પાસે જો માન્ય પાસપોર્ટ, ભારત સરકાર દ્વારા આપવામાં આવેલ ફોટો આઇડી અથવા ચૂંટણી આયોગ દ્વારા આપવામાં આવેલું ઓળખ પત્ર હોય તો વીઝાની જરૂર નથી. તેની પહેલાં 65 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકોએ આ બે દેશોની યાત્રા માટે પોતાની ઓળખ સાબિત કરવા માટે પોતાનું પેન કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય સેવા કાર્ડ અથવા રાશન કાર્ડ આપી શકતા હતા પરંતુ આધારનો ઉપયોગ કરી શકતા ન હતા.
ગૃહ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આધાર કાર્ડને હવે આ યાદીમાં જોડી દેવામાં આવ્યું છે. અધિકારીએ જણાવ્યું કે હવે 65 વર્ષથી વધુ અને 15 વર્ષથી ઓછી ઉંમરના લોકો માટે માન્ય યાત્રા દસ્તાવેજ તરીકે આધાર કાર્ડનો ઉપયોગ કરવાની પરવાનગી હશે.
અધિકારીએ જણાવ્યું કે ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસ, કાઠમંડૂ દ્વારા જારી રજીસ્ટર્ડ પ્રમાણ પત્ર ભારત અને નેપાળ વચ્ચે યાત્રા માટે સ્વીકાર્ય દસ્તાવેજ નથી.
ભૂટાનની યાત્રા કરનારા ભારતીય નાગરિકો પાસે 6 મહિનાની ઓછામાં ઓછી વેલીડીટી સાથે ભારતીય પાસપોર્ટ અથવા ભારત ચૂંટણી આયોગ દ્વારા જારી વોટર આઇડી હોવું જરૂરી છે.