કેન્દ્રની મોદી સરકારે 10 એજન્સીઓને આ પ્રકારની જાસુસી કરવા કે નજર રાખવાની છુટ આપી દીધી છે જેને પગલે આ તઘલખી ફરમાનને લઇને અનેક પ્રકારના સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે સુપ્રીમ કોર્ટે આજે કેન્દ્ર સરકારના જાહેરનામાની સમીક્ષા કરવાનું જણાવ્યું છે.
કોઈ પણ કમ્પ્યુટરને ઈન્ટરસેપ્ટ કરવા કે તેની નિગરાની રાખવા માટે 10 કેન્દ્રીય તપાસ એજન્સીઓને અધિકારો આપતા જાહેરનામાને પડકારતી અરજી અંગે સરકાર પાસેથી છ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારના નિર્ણયની સમીક્ષા કરવામાં આવશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજય કિશન કૌલની બેન્ચ સમક્ષ અરજદાર મનોહરલાલ શર્મે જાહેરહિતની અરજી કરી તાત્કાલિક સુનાવણી કરવા અપીલ કરી હતી.
ગૃહ મંત્રાલય દ્વારા જારી આદેશ અનુસાર આ દેશના કોઇ પણ વ્યક્તિના કમ્પ્યુટરથી જનરેટ, ટ્રાંસમિટ કે રિસીવ થતા ઉપરાંત આ કમ્પ્યુટરમાં સ્ટોર થતા કોઇ પણ ડેટા કે ડોક્યુમેન્ટ્સ, વીડિયો, તસવીરો, પીડીએફ ફાઇલ, વર્ડ ફાઇલ વગેરે પર નજર રાખી શકશે. સરકારે દાવો કર્યો છે કે આ આદેશ માટે કાયદામાં કોઇ સુધારાની પણ જરુર નથી કેમ કે આઇટી કાયદાની કલમ ૬૯ આ રીતે કમ્પ્યુટરમાં નજર રાખવાની છુટ આપે છે. કોંગ્રેસ એક તરફ પ્રાઇવેસીના અધિકારોની વાત કરે છે જ્યારે બીજી તરફ ભાજપનો દાવો છે કે અમે જે કાયદા અંતર્ગત આ આદેશ આપ્યો છે તેને અગાઉની યુપીએ સરકારના કાર્યકાળમાં ૨૦૦૯માં જ ઘડવામાં આવ્યો હતો.
સરકારના આદેશમાં દાવો કરવામાં આવ્યો છે કે આ નોટિફિકેશન ટેલિગ્રાફ કાયદા અંતર્ગત પણ જારી કરાયું છે. જોકે સાથે એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે જે પણ કેસમાં તપાસની જરુર પડશે તેમાં પહેલા ગૃહ મંત્રાલય પાસેથી અનુમતી લેવાની રહેશે. જોકે સરકારે કોઇની અનુમતી નહીં લેવાની રહે અને ગમે તેના કમ્પ્યુટરના ડેટાની તપાસના આદેશ આપી શકશે.
સરકારે જણાવ્યું છે કે આ સત્તા એજન્સીઓ પાસે 2009માં સરકારે જે નવા નિયમો ઘડયા તે અંતર્ગત આપવામાં આવેલી જ છે. નોંધનીય છે કે આઇટી એક્ટની કલમ 69માં જણાવવામાં આવ્યું છે કે જો કેન્દ્ર સરકારને એમ લાગે કે દેશની સુરક્ષાને ખતરો છે અને અન્ય દેશોની સાથે મીત્રતાભર્યા સંબંધો રાખવામાં મુશ્કેલી પડી રહી છે તો આવી સ્થિતિમાં સરકાર એજન્સીઓને કોઇ પણ કમ્પ્યુટરના ડેટાની તપાસના આદેશ આપી શકે છે. દરેક વ્યક્તિએ તપાસ એજન્સીને તપાસમાં સહીયોગ આપવો પડશે, અને જો કોઇ વ્યક્તિ આનાકાની કરે કે ના પાડી દે તો આવી વ્યક્તિને સાત વર્ષની કેદ અને નાણાકીય દંડ પણ થઇ શકશે જેને પગલે સરકારના આ નિર્ણયને તઘલખી ગણાવી લોકો ભારે ટીકા પણ કરી રહ્યા છે.