સુરતના હજીરામાંથી ગઈકાલે બપોરના સમયે 3 વર્ષની એક બાળકી લાપતા થઈ હતી. ત્યારે સાંજે આ બાળકી પોતાના ઘરના પાછળના ભાગમાં લોહીલુહાણ મળી આવતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. આ દુષ્કર્મના પગલે લોકોમાં આરોપી પ્રત્યે ફીટકારની લાગણી વરસી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, હજીરામાં રહેતા એક પરિવારની ત્રણ વર્ષની માસુમ બાળકી ગઈકાલે બપોરે ગાયબ થઈ હતી. તે ત્રણ વાગ્યાની આસપાસ મળી ન રહી હતી, જેથી પરિવારે તેની શોધખોળ શરૂ કરી હતી. ત્યાર બાદ સાંજે 6 વાગ્યાના અરસામાં તે ઘરના પાછળના ભાગમાં આવેલ એક ઝાડીમાંથી લોહીલુહાણ હાલમાં મળી આવી હતી. પરપ્રાંતીય પરિવારની આ બાળકીને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તેના ગુપ્ત ભાગેથી લોહી પણ નીકળી રહ્યું હતું, જેથી તેની સાથે દુષ્કર્મ કરાયું હતું. મધરાતે બાળકીની સર્જરી કરવામાં આવી હતી.
બાળકી દુષ્કર્મ મામલે સુરત પોલીસે મોડી રાત્રે એક કિશોર સહિત બે વ્યક્તિઓને શંકાના આધારે પકડીને તેમની પૂછપરછ શરૂ કરી હતી. આ બનાવને પગલે ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજીની સાત ટીમ તપાસમાં લાગી ગઈ છે.