Manish Sisodia : મનીષ સિસોદિયાએ નિવાસસ્થાને એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી
આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાએ રવિવારે તેમના નિવાસસ્થાને એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો બોલાવી. આ બેઠકમાં સંદીપ પાઠક, સાંસદ સંજય સિંહ, દિલ્હી રાજ્ય કન્વીનર ગોપાલ રાય અને રાષ્ટ્રીય સચિવ પંકજ ગુપ્તા સહિત આમ આદમી પાર્ટીના ઘણા વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી.
મનીષ સિસોદિયા 14 ઓગસ્ટથી સમગ્ર દિલ્હીમાં પદયાત્રા
બેઠક બાદ ડૉ.સંદીપ પાઠકે જણાવ્યું કે, બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયા 14 ઓગસ્ટથી સમગ્ર દિલ્હીમાં પદયાત્રા પર જશે. આમ આદમી પાર્ટી વરિષ્ઠ નેતા મનીષ સિસોદિયાની પદયાત્રા સાથે દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે તેના અભિયાનની શરૂઆત કરશે, જે તમામ 70 મતવિસ્તારોમાં લોકો સુધી પહોંચશે.
પદયાત્રામાં ભાજપનો ઘેરાવ કરશે
મનીષ સિસોદિયાનો ઉદ્દેશ્ય તેમની પદયાત્રામાં દિલ્હીના લોકોને મળવાનો અને ભાજપના ષડયંત્રનો પર્દાફાશ કરવાનો છે. ભાજપે જે રીતે આપણા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટા કેસમાં બંધ કર્યા છે, અમે તેનું સત્ય જનતા સુધી પહોંચાડીશું. મનીષ સિસોદિયા જેલમાંથી બહાર આવવાથી પાર્ટી વધુ મજબૂત બની છે.
પક્ષ તોડવો અશક્ય છે – સંદીપ પાઠક
AAPના સંગઠન મહાસચિવ અને રાજ્યસભાના સભ્ય પાઠકે જણાવ્યું હતું કે મનીષ સિસોદિયા હરિયાણામાં આમ આદમી પાર્ટી (AAP) માટે પણ પ્રચાર કરશે, જ્યાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. તેમજ સંદીપ પાઠકે જણાવ્યું હતું કે, અમે અમારી બેઠકમાં સંકલ્પ કર્યો છે કે, આમ આદમી પાર્ટીને તોડવાના ભાજપના કાવતરાઓને નિષ્ફળ બનાવવા માટે વિધાનસભાની ચૂંટણી લડવામાં આવશે, જે સફળ થવાના નથી. પક્ષને તોડવો અશક્ય છે.