Valsad: દેશની આઝાદીના મહાપર્વ તરીકે ૧૫ મી ઓગસ્ટે ઉજવાનાર ૭૮માં સ્વાતંત્ર્ય પર્વે વિદ્યાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યેની ભાવના જાગૃત થાય
તેવા ઉમદા હેતુથી હર ઘર તિરંગાઅભિયાન અંતર્ગત વલસાડ જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ અને જિલ્લા શિક્ષણાધિકારી ડો. રાજેશ્રી એલ. ટંડેલના નેતૃત્વમાં
Valsad જિલ્લાની ૧૬ જેટલી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના ૨૫૦૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાત અને ભારતનો નકશો તેમજ રાષ્ટ્રીય ચિન્હ માનવ સાંકળ દ્વારા બનાવવામાં આવ્યા હતા. જેમાં ખાસ કરીને વાપીના ચલા ખાતે સ્થિત બુનમેક્સ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ગુજરાતનો નકશો અને ત્રણ સિંહની આકૃતિ વાળું રાષ્ટ્રીય ચિન્હ માનવ સાંકળ દ્વારા બનાવ્યું હતું.
વાપીના સલવાવ ખાતે સ્વામિનારાયણ સ્કૂલ દ્વારા તિરંગા સાથે ભારતનો નકશો વિદ્યાર્થીઓએ માનવ સાંકળના રૂપમાં બનાવ્યો હતો, જે આકર્ષણરૂપ બન્યો હતો. જિલ્લાની તમામ શાળાઓમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ અનેકવિધ પ્રવૃતિઓ થઈ રહી છે જેને પગલે સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાયો છે, વિશેષ રૂપે વિદ્યાર્થીઓમાં દેશ ભક્તિની ભાવના પ્રબળ બની છે.
માનવ સાંકળ દ્વારા દેશભક્તિના ચિહ્નો બનાવવાની પ્રવૃત્તિમાં
ધરમપુરના બરૂમાળની અખંડ આરણ્ય આશ્રમશાળા, આસુરા આશ્રમશાળા, પારડીની આર.જે.દમણવાળા સ્કૂલ, વાપીની જ્ઞાન ગંગા સ્કૂલ, સલવાવની શ્રી સ્વામિનારાયણ સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ, વલસાડની જમનાબા સાર્વજનિક વિદ્યાલય, અબ્રામાની સ્વામિનારાયણ હાઈસ્કૂલ, આર.એમ.વી.એમ સ્કૂલ, ચલાની સેન્ટ ફ્રાન્સિસ સ્કૂલ, વલસાડ સેગવીની સર્વોદય સ્કૂલ, મરલાની નવ નિર્માણ સ્કૂલ, બોપીની સરકારી માધ્યમિક શાળા, વલસાડની આવાબાઈ સ્કૂલ, દાંડીની ડી.આર.પટેલ ઉચ્ચતર માધ્યમિક શાળા, વાપી ચલાની બુનમેક્ષ ઇંગ્લિશ મીડીયમ હાઈસ્કૂલ અને વલસાડની જૈન ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલનો સમાવેશ થાય છે. આગામી તા. ૧૫ ઓગસ્ટ સુધી જિલ્લાના તમામ શેક્ષણિક સંકુલોમાં દેશભક્તિના કાર્યક્રમો અને સ્પર્ધાઓનું લાગલગાટ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે સમગ્ર જિલ્લો દેશ ભક્તિમાં તરબોળ બન્યો છે.