(સૈયદ શકીલ દ્વારા): ગુજરાત યાત્રાધામ પ્રવાસન બોર્ડના સચિવ અનિલ પટેલને સસ્પેન્ડ કરી રાજકોટ ખાતે બદલી કરી દેવાનો વિવાદ ચાલી રહ્યો છે. ગુજરાતના સસિવાલયની ત્રિપુટી દ્વારા કરવામાં આવેલા મનસ્વી નિર્ણયોને લઈ સચિવોમાં ભભૂકતો રોષ જોવા મળી રહ્યો અને આ રોષ ગમે ત્યારે ફાટી નીકળે તેવી શક્યતા નકારી શકાતી નથી.
અનિલ પટેલ ગુજરાતના એક માત્ર આદિવાસી સચિવ તરીકે ગુજરાત સરકારમા કાર્યરત છે. અત્યાર સુધી તેમણે અલગ અલગ વિભાગોમાં ફરજ બજાવી છે. પરંતુ તેમની સામે કોઈને કોઈક રીતે તપાસ અને કેસો કરીને તેમના કરીયરમાં વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા સચિવાલયમાં થઈ રહી છે.
અનિલ પટેલ સામેના કેસો પર નજર કરીએ તો તેઓ સચિવાલયમાં કાર્યરત ન હોવા છતાં તેમની સામે સરદાર સરોવર નિગમ લિ.માં નાયર નામના સ્ટેનોગ્રાફરની નિમણૂંક અંગે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. આ તપાસ બહુ લાંબી ચાલી હતી અને આ તપાસમાં અનિલ પટેલને કોઈ મેમો, શો-કોઝ નોટીસ કે ચાર્જશીટ આપવામાં આવી ન હતી. પરંતુ અનિલ પટેલ જ્યારે મત્સ્ય ઉદ્યોગમાં આવ્યા અને તેમની પાસે બંદર વિભાગનો સંયુક્ત સચિવનો વધારો હવાલો સોંપવામાં આવ્યો તો પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોને મૂક્ત કરાવવા માટે એનઓસી માંગવામાં આવી ત્યારે અનિલ પટેલને જાણ થઈ હતી તે સરદાર સરોવર નિગમમાં સ્ટેનોગ્રાફરની નીતિ-નિયમો નેવે મૂકીને કરવામાં આવેલી નિમણૂંકે અંગેની તપાસ ચાલી રહી છે.
આ કેસમાં હકીકત એવી હતી કે સરદાર સરોવર નિગમમાં એ.કે નામધારી એમડી કાર્યરત હતા અને તેમણે નાયર નામના સ્ટેનોગ્રાફરની નિમણૂંક કરી હતી. પરંતુ એ.કે. નામધારી એમડીના બદલે અનિલ પટેલની સામે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી.
અનિલ પટેલની ત્યાર બાદ 2002-2003માં રાતોરાત બદલી કરી દેવામાં આવી હતી. તે સમયે નિયમિત સચિવ રજા પર હતા અને ઈન્ચાર્જ સચિવ વિનોદ બબ્બરે નાયલોન અને નેટ પ્લાન્ટના આક્ષેપ હેઠળ તેમની બદલી કરી દીધી હતી. અનિલ પટેલ પર નાયલોન અને નેટ પ્લાન્ટને 25 કરોડમાં વેચી મારવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કેસમાં પણ પાંચ-છ વર્ષ સુધી તપાસ ચાલી.
આ ઘટના બાદ ફરી વાર અનિલ પટેલ પર નવસારી-વલસાડનાં મેંદર બેટ, વાંસી-બોરીસ અને ઓંજલમાં 170 હેકટરના ફીશ ફાર્મને લઈ વિવાદ ઉભો કરાયો હતો. અનિલ પટેલે શોધી કાઢયું હતું કે નીતિ-નિયમો વિરુદ્વ 170 હેકટર ફીશ ફાર્મના વાર્ષિક કરોડો રૂપિયા ગેરવલ્લે અને ખોટી રીતે વપરાઈ રહ્યા છે. આ ફાર્મ ભરૂચની કંપનીને ભાડેથી આપવામાં આવેલું હતુ. મહત્વનું એ છે કે અનિલ પટેલની તપાસમાં ફીશ ફાર્મની મશીનરી જ ગાયબ થયેલી જણાઈ આવી હતી. વલસાડના ધારાસભ્ય અને મંત્રી કરસન પટેલે પણ તે વખતે અનિલ પટેલની તરફેણ કરી હતી. ફીશ ફાર્મને સરકાર હસ્તક પાછું લઈ લેવા માટે અનિલ પટેલે ફાઈલ તૈયાર કરતા સ્થાપિત હિતોએ તેમની વિરુદ્વ કાવત્રું રચીને તપાસ ઠોકી બેસાડી હતી અને કૌભાંડ થયું હોવાનું જણાવી ચાર્જશીટ આપી દેવાઈ હતી. તે વખતે મંત્રીના પીએસ મિશ્રા અને કરસન પટેલે અનિલ પટેલે કોઈ પણ પ્રકારની ગેરરીતિ કરી ન હોવાનું કહ્યું હોવા છતાં અનિલ પટેલ પણ તવાઈ લાવવામાં આવી હતી. અંતે આ પ્રકરણમાં તેમની ટ્રાન્સફર સ્ટેટ ગેઝેટ ડિપાર્ટમેન્ટમાં કરી દેવામાં આવી હતી.
ડીઝલ પરની સબસીડી ખવાઈ જતી હતી અને તે અંગે અનિલ પટેલ તપાસ કરતાં જણાઈ આવ્યું હતું કે દર વર્ષે 50 કરોડ રૂપિયા વપરાતા હતા અને ગેરરીતિ ધ્યાને આવતા તેમાં સુધારો-વધારો કરવામાં આવ્યો. સુધારા સાથે સબસીડી અપાઈ તો સરકારનાં 25 કરોડ રૂપિયા બચી ગયા. અહીંયા પણ સ્થાપિત હિતો કામ કરી ગયા. 25 કરોડ બચાવ્યા તે ન દેખાયું અને ઉલ્ટાનું અનિલ પટેલ પર 25 કરોડ રૂપિયા ખાઈ ગયા હોવાનો આક્ષોપ મૂકી તપાસ નીમી દેવામાં આવી.ચાર વર્ષ સુધી આ તપાસ ચાલી હતી.
આ ઉપરાંત દ્વારકામાં પણ નબળી ગુણવત્તા સાથે કામગીરી થઈ રહી હોવાના પુરાવા મળી આવ્યા. ખુદ મંત્રીઓ સ્થળ મુલાકાત લીધી હતી. દ્વારકામાં ખોટી રીતે રૂપિયા ખર્ચાઈ રહ્યા હતા તેની સામે અનિલ પટેલ રૂક જાઓનો આદેશ આપ્યો તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
આમ અનિલ પટેલની સચિવાલયમાં હેરાનગિતનો એક કિસ્સો નથી. પાછલા પંદર વર્ષથી સચિવાલયમાં અડીંગો જમાવીને બઠેલા કેટલાક અધિકારીઓ દ્વારા અનિલ પટેલ સામે તપાસ પર તપાસ યોજીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.