Dharm: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ માસના 30 દિવસીય શિવોત્સવનો પ્રારંભ તા.5 ને સોમવારે થશે
અને પૂર્ણાહુતી તા.3 સપ્ટે.ને શ્રાવણ વદ અમાસના રોજ થશે. શિવની ભક્તિ માટે સોમનાથ મંદિર ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ કેન્દ્ર બનશે. શ્રાવણમાં સોમનાથમાં દેશ-દેશાવરથી ભાવિકોનો સાગર ઉમટશે ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભાવિકોને અગવડ ન પડે તે માટે બહુસ્તરીય વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
Dharm: પ્રતિ વર્ષ શ્રાવણ માસમાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શને પધારતા હોય છે. દર વર્ષે યાત્રીઓની સંખ્યામાં વૃદ્ધિ જોઈને આ વર્ષે ભૂતકાળના તમામ શ્રાવણ કરતા વધુ આવવાનો અંદાજો છે ત્યારે ટ્રસ્ટ દ્વારા વધારે માત્રામાં આવનારી યાત્રીઓ માટે રહેવા, ભોજન અને દર્શનની ઉત્તમ વ્યવસ્થા થાય તેના માટે વધુ સ્ટાફ મંદિરમાં ફરજ પર મૂકવામાં આવ્યો છે.
શ્રાવણ માસ દરમિયાન ગુરુકુળ શંખ સર્કલથી રામ મંદિર સુધીનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગમાં પ્રવેશ કર્યા બાદ વાહનો પાર્કિંગના નીકળવાના દ્વારથી રામ મંદિરથી હાઇવેને જોડતા માર્ગ પર નીકળી શકશે.
શ્રાવણમાં સવારે 4 વાગ્યે દર્શન ખુલશે
દર વર્ષની માફક શ્રાવણ માસના દરેક સોમવાર તથા તહેવારોના દિવસોએ મંદિર વ્હેલી સવારના 4 વાગ્યે ખુલશે
પરીસરમાં વૃદ્ધો માટે ગોલ્ફ કાર્ટ કાર અને વ્હીલ ચેરની નિ:શુલ્ક વ્યવસ્થા
મંદિર ટ્રસ્ટના તમામ કર્મચારી સ્ટાફને આપત્તિ વ્યવસ્થાપન, સ્વચ્છતા, યાત્રી કેન્દ્રીય અભિગમ જેવા પાસાઓને આવરીને ‘ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયા’ ના તજજ્ઞો દ્વારા તૈયાર કરાયેલ ટ્રાનિંગ પ્રોગ્રામ મુજબ તાલીમ આપવામાં આવી છે. ટુ વ્હીલર સહિત પાર્કિંગ સુવિધામાં વધારો કરવામાં આવ્યો છે
સંકીર્તન ભવનમાં ખાસ પૂજન વ્યવસ્થા
સોમનાથ મંદિર પરીસરમાં સંકીર્તન ભવન ખાતે વિશેષ પૂજન વ્યવસ્થા માટે માળખું ઉભું કરવામાં આવ્યું છે. જેમાં વધારાનો સ્ટાફ, સુપરવાઇઝર, પંડિતજી સહિતની ટીમ દ્વારા ધ્વજા પૂજા, પાઘ પૂજા, કળશ પૂજા, માર્કંડેય પૂજા, કાલસર્પયોગ નિવારણ પૂજા, રૂદ્રાભિષેક પાઠ, સંકલ્પ સહિતની પૂજા વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં જ યાત્રી વિશેષ કાઉન્ટર પર પૂજા નોંધાવી પણ શકશે. પૂજા માટે સંકીર્તન ભવન વન સ્ટોપ સોલ્યુશન કેન્દ્ર બનશે.
શ્રાવણના પ્રારંભ સાથે શ્રી રામ કથા અને ઉત્તરાર્ધમાં શિવ કથા : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાન્નિધ્યમાં શ્રાવણ માસના પ્રથમ દિવસથી ભાટિયા ગ્રાઉન્ડ ખાતે પ્રજ્ઞાચક્ષુ કથાકાર ડો.કૃણાલભાઈ જોષીના મુખે તા.13 સુધી સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તરાર્ધમાં સોમનાથ સંસ્કૃતિ યુનિવર્સિટીના પુરાણ વિભાગના પ્રોફેસર ડો.પંકજ રાવલના મુખે શિવ કથાનું આયોજન કરાયેલ છે.
સોમનાથની પાલખીયાત્રા
સોમનાથ મંદિર પરીસરમાં મહાદેવની પાલખીયાત્રાએ માત્ર એક યાત્રા નથી પરંતુ ભક્તિનો અનોખો અલભ્ય અનુભવ છે. ટ્રસ્ટ મહાદેવના સ્વરૂપનું વિધિવિધાનથી પૂજન કરી પાલખી યાત્રાને પ્રસ્થાન કરાવે છે. ત્યારે હજારો શિવભક્તો મળીને આ યાત્રામાં સોમનાથ મહાદેવની પાલખીને ઉંચકીને પુણ્યનું અર્જન કરવાનો લ્હાવો મળશે. હવેથી શ્રાવણ માસના સોમવાર ઉપરાંત શ્રાવણ માસની પૂર્ણિમા, માસિક શિવરાત્રિ અને અમાસના દિવસે પણ પાલખીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
દર્શન, આરતી સમયે ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે
શ્રાવણ માસમાં લાખો દર્શનાર્થીઓ સોમનાથ દાદાના દર્શનનો લાભ લેશે ત્યારે દર્શન અને આરતી સમયે ભક્તોએ સતત ચાલતા રહેવું પડશે. દર્શન બાદ યાત્રીઓ મંદિરની અંદર રોકાઇ શકશે નહીં. મંદિરના પરિસરમાં થોડા થોડા અંતરે આર.ઓ પ્યુરીફાઈડ પીવાના પાણીના પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. શ્રાવણમાં યાત્રીઓના પ્રવાહને ધ્યાને રાખી, વધુ માત્રામાં પ્રસાદ નિર્માણ, પૂજાવિધિ- ક્લોકરૂમ- જુતાઘર સહિતની વધારાની વ્યવસ્થા કરવામાં આવશે. ટ્રસ્ટના નિ:શુલ્ક ભોજનાલયમાં ક્ષમતા બમણી કરીને યાત્રીઓની સુવિધા વધે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.