Zomato
Zomato Share Price Today- નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં Zomatoનો નફો વાર્ષિક ધોરણે 126 ગણો વધ્યો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 253 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે.
ઝોમેટોના શેરમાં આજે તોફાની વધારો જોવા મળી રહ્યો છે. આજે ફૂડ એગ્રીગેટર કંપનીનો શેર ગઈકાલના રૂ. 234ના બંધ ભાવની સરખામણીએ પાંચ ટકાના વધારા સાથે રૂ. 244.50 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગની શરૂઆતના થોડા સમય પછી, તે લગભગ 19 ટકા વધીને રૂ. 278.70ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચી ગયો. સમાચાર લખાય છે ત્યાં સુધી, NSE પર Zomatoનો શેર 11.33 ટકાના વધારા સાથે રૂ. 260.62 પર ટ્રેડ કરી રહ્યો હતો. ગઈકાલે પણ Zomatoનો શેર તેની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો બાદ આ શેરમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ઘણા બ્રોકરેજ હાઉસે પણ રોકાણકારોને આ Zomato શેર ખરીદવાની સલાહ આપી છે.
નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ક્વાર્ટરમાં Zomatoનો નફો વાર્ષિક ધોરણે 126 ગણો વધ્યો છે. કંપનીએ આ ક્વાર્ટરમાં રૂ. 253 કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. Zomatoની ઓપરેટિંગ આવક 75 ટકા વધીને 4206 કરોડ રૂપિયા થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીએ 2416 કરોડ રૂપિયાની આવક મેળવી હતી. ત્રિમાસિક આધાર પર, નાણાકીય વર્ષ 2023-24 ના છેલ્લા ક્વાર્ટરમાં કંપનીની આવક 3562 કરોડ રૂપિયા હતી. ત્રિમાસિક ધોરણે કંપનીની આવકમાં પણ 18 ટકાનો વધારો થયો છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો EBIDTA રૂ. 177 કરોડ આવ્યો હતો.
ઝોમેટોના શેરમાં બ્રોકરેજ બુલિશ
કંપનીએ અપેક્ષા કરતાં વધુ સારા પરિણામ જાહેર કર્યા પછી, ઘણા બ્રોકરેજ હાઉસે Zomato શેરના લક્ષ્યાંક ભાવમાં વધારો કર્યો છે. બ્રોકરેજ ફર્મ નુવામાએ ઝોમેટોના શેર પર તેનું ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેરની લક્ષ્ય કિંમત ₹245 થી વધારીને ₹285 કરી છે. નુવામાએ તેની નોંધમાં લખ્યું છે કે, “કંપનીએ ફરી એકવાર તમામ બાબતોમાં અપેક્ષા કરતા વધુ સારું પ્રદર્શન કર્યું. “મેનેજમેંટે ફૂડ ડિલિવરીમાં 20 ટકાથી વધુની નજીકના ગાળાની વૃદ્ધિ માટે માર્ગદર્શન આપ્યું છે અને તેનો હેતુ Blinkit ડાર્ક સ્ટોર્સની સંખ્યા Q1FY25 માં 639 થી CY26 ના અંત સુધીમાં 2,000 સુધી વધારવાનો છે.”
બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસે પણ ઝોમેટોના શેર પર તેનું ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજે શેરનો લક્ષ્યાંક રૂ. 300 રાખ્યો છે. મતલબ કે આ શેર વર્તમાન ભાવથી 28 ટકા વધી શકે છે. મોતીલાલે કહ્યું કે ઝોમેટોનો ફૂડ ડિલિવરી બિઝનેસ સ્થિર છે અને બ્લિંકિટ રિટેલ, ગ્રોસરી અને ઈ-કોમર્સ જેવા ઉદ્યોગોને વિક્ષેપિત કરવાની તકો પૂરી પાડી રહી છે.