Weather Update: કેરળ સહિત દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ ચાલુ છે. જ્યારે દિલ્હીમાં ભેજવાળી ગરમીથી લોકો પરેશાન છે. ભારે વરસાદને કારણે મંગળવારે કેરળના વાયનાડમાં ભારે ભૂસ્ખલન થયું હતું. જેમાં કેટલાક ડઝન લોકોના મોત થયા હતા. જ્યારે સેંકડો લોકો હજુ પણ ગુમ છે. જેની શોધખોળ ચાલી રહી છે. આ દરમિયાન હવામાન વિભાગે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. તમને જણાવી દઈએ કે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં આ વર્ષે જુલાઈમાં ખૂબ ઓછો વરસાદ થયો છે. પરંતુ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વોત્તરમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે આસામમાં પૂર આવ્યું હતું.
20 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ભારતીય હવામાન વિભાગે દેશના 20 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ઉત્તર-પશ્ચિમ અને મધ્યથી લઈને ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેને લઈને હવામાન વિભાગે રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. IMD એ 1 થી 3 ઓગસ્ટ વચ્ચે મધ્ય મહારાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે તટીય કર્ણાટકમાં 31 જુલાઈથી 1 ઓગસ્ટની વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે અહીં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ રાજ્યોમાં પણ ભારે વરસાદ થશે
કોંકણ અને ગોવામાં 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધી ભારે વરસાદની સંભાવના છે. બીજી તરફ મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં 1 થી 3 ઓગસ્ટ સુધી જ્યારે ઉત્તરાખંડમાં 30 જુલાઈથી 1 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. 31 જુલાઈથી 1 ઓગસ્ટ વચ્ચે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં ભારે વરસાદની શક્યતા છે. જેના કારણે આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હિમાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં 115 થી 204 મીમી વરસાદ પડી શકે છે. 1 ઓગસ્ટે જમ્મુ ડિવિઝનમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં પણ આજે એટલે કે બુધવારે ભારે વરસાદની સંભાવના છે.
વાયનાડમાં કાટમાળ વચ્ચે જીવનની શોધ ચાલુ છે
બીજી તરફ કેરળમાં મંગળવારે વહેલી સવારે થયેલા ભૂસ્ખલનના કારણે મૃત્યુઆંક 143 પર પહોંચી ગયો છે. સેંકડો લોકો હજુ પણ ગુમ છે અને કાટમાળમાં તેમની શોધ ચાલી રહી છે. સેના અને એનડીઆરએફના જવાનો સતત સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે, પરંતુ રાજ્યમાં સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દરમિયાન, હવામાન વિભાગે રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.