Paris olympics 2024: ભારતીય પુરૂષ હોકી ટીમે પેરિસ ઓલિમ્પિક 2024ની જીત સાથે શરૂઆત કરી છે. ન્યૂઝીલેન્ડ સામેની તેની પ્રથમ ગ્રુપ મેચમાં 1-0થી પાછળ રહ્યા બાદ ભારતીય ટીમે જોરદાર વાપસી કરી અને મેચ 3-2થી જીતીને ઓલિમ્પિક અભિયાનની શાનદાર શરૂઆત કરી. દેશને હોકીમાં ભારતીય ટીમ પાસેથી મેડલની અપેક્ષા છે અને ટીમે પણ એ જ અપેક્ષા મુજબ શરૂઆત કરી છે.
પાછળ પડ્યા પછી પુનરાગમન
ન્યૂઝીલેન્ડે મેચના પ્રથમ ક્વાર્ટરમાં ગોલ ફટકારીને 1-0ની સરસાઈ મેળવી હતી. આ પછી ટીમ ઈન્ડિયાએ જોરદાર વાપસી કરી અને 24મી મિનિટે મનદીપ સિંહે ગોલ કરીને ભારતને 1-1ની બરાબરી પર લાવી દીધું. આ પછી મેચની 34મી મિનિટે વિવેક સાગર પ્રસાદે બીજો ગોલ કરીને ભારતને 2-1ની સરસાઈ અપાવી હતી. એવું લાગી રહ્યું હતું કે ભારતીય ટીમ આ મેચ આસાનીથી જીતી જશે, ત્યારબાદ છેલ્લા ક્વાર્ટરમાં ન્યૂઝીલેન્ડે ગોલ કરીને મેચને 2-2થી બરાબર કરી દીધી હતી. ચુસ્ત મુકાબલાની વચ્ચે મેચની 59મી મિનિટે ટીમ ઈન્ડિયાના કેપ્ટન હરમનપ્રીત સિંહે ત્રીજો ગોલ કરીને ભારતીય ટીમને 3-2થી જીત અપાવી હતી. ભારતની આગામી મેચ 29મી જુલાઈએ આર્જેન્ટિના સામે થશે.
શું 44 વર્ષની રાહનો અંત આવશે?
ભારતીય હોકી ટીમ ઓલિમ્પિક ઈતિહાસમાં સૌથી સફળ ટીમ રહી છે. ભારતીય ટીમે કુલ 12 મેડલ જીત્યા છે જેમાંથી 8 ગોલ્ડ મેડલ છે. ટીમ ઈન્ડિયાએ છેલ્લે 1980માં ગોલ્ડ જીત્યો હતો. આ પછી 41 વર્ષ સુધી ઓલિમ્પિકમાં કોઈ મેડલ જીત્યો ન હતો. ટોક્યો ઓલિમ્પિક 2021માં હોકી ટીમે બ્રોન્ઝ જીત્યો હતો. આ વખતે ટીમ ગોલ્ડ માટે 44 વર્ષની રાહનો અંત લાવવામાં સફળ થાય છે કે કેમ તે જોવું રહ્યું.