ગુજરાત ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બનેલી જસદણ વિધાનસભા માટે આવતીકાલે મતગણતરી થવાની છે. જસદણની પેટાચૂંટણીમાં ભાજપના સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા વચ્ચે સીધી ફાઈટ છે. કોનું નસીબ જોર કરી રહ્યું છે તે આવતીકાલે મતગણતરી બાદ માલૂમ પડી જવાનું છે.
જસદણની પેટાચૂંટણીમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો હતો. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટા ચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા. આટલો મોટો કાફલા ઉપરાંત 35 સ્ટાર પ્રચારકો સાથે ભાજપનો ચૂંટણી પ્રચાર રહ્યો હતો.
કોંગ્રેસેે પણ પાછીપાની કરી ન હતી. પંજાબ સરકારના મંત્રી નવજોતસિંહ સિદ્વુ, અલ્પેશ ઠાકોર, અમિત ચાવડા, પરેશ ધાનાણી વગેરે પણ પ્રચારની કમાન સંભાળી હતી. આ ઉપરાંત હાર્દિક પટેલે પણ ખેડુત વેદના સંમેલન યોજીને જસદણમાં પોતાની હાજરી પુરાવી હતી.
મતદાનના દિવસે મતદારોએ જબરો ઉત્સાહ દર્શાવ્યો હતો અને 71 ટકા જેટલું વોટીંગ નોંધાયું હતું. જસદણ બેઠકમાં જસદણ તાલુકાના 165 મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના 90 મથકો અને ગોંડલ તાલુકાના 7 મતદાન મથકો મળી કુલ 262 મતદાન મથકોએ મતદાન યોજાયું હતું જસદણ બેઠક પર 2.32 લાખ નોંધાયેલા મતદારો છે. છેલ્લી 14 ચૂંટણીમાં કોંગ્રેસ 9 વાર જીતી છે.