જસદણ વિધાનસભાની પેટાચૂંટણીમાં મતદાન ચાલી રહ્યું છે ત્યારે ભાજપના ઉમેદવાર અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. આ ઓડિયો ક્લિપમાં કુંવરજી મતદારને ધમકાવી રહ્યા હોવાનું કથિત રીતે જણાઈ આવી રહ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ઓડિયો ક્લિપ સાંભળતા અવાજ આવે છે કે કોણ રાજુ બોલે છે, સામેવાળી વ્યક્તિ જવાબ આપે છે કે મોટું ગામના રમેશ જાદવનો છોકરો બોલું છે. તો કથિત રીતે ભાજપના ઉમેદવાર કુંવરજી કહે છે કે દોરો લઈને દિસે તો દેખાશે નહીં. પછી ક્યાંય જડશે નહી. તારું નામ લખી રાખું છે, તારુંય નામ લખી રાખું છું. પછી કોઈના કહેવાથી કશું થશે નહીં.
આ ઓડિયો ક્લિપ બહાર આવતાં જ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ સોશિયલ મીડિયા પર પોતાના રિએક્શન આપતા કહ્યું કે જસદણ પેટાચૂંટણીમાં પોતાની હાર ભાળી ગયેલા ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયા દ્વારા જસદણના કોળી સમાજના ગરીબ મતદાર ધમકાવવાનો, ડરાવવાનો જે પ્રયત્ન થઈ રહ્યો છે, અભદ્ર ભાષામાં સાંભળી પણ ન શકાય, એવી ભાષામાં મતદારને ડરાવી પોતાની તરફેણમાં કરવા માટે દબાણ થઈ રહ્યું છે ધમકી આપવામાં આવી રહી છે.
અમિત ચાવડાએ વધુમાં કહ્યું કે આ વાતને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. આ લોકશાહીની રક્ષા માટેની ચૂંટણી છે અને જસદણની પ્રજાને ગમે તેટલી ધમકીઓ મળે, ગમે તેટલી લાલચો મળે, ડરાવવાનો પ્રયત્ન થાય, પ્રશાસનનો ગેરઉપયોગ થાય પણ અમે વિનંતી કરીએ છીએ કે લોકશાહીની રક્ષા માટે પક્ષ અને પ્રજા સાથે ગદ્દારી કરનારા લોકોને સબક શીખવાડવા માટે દાદાગીરી, અંહાકારી ભાજપના જે ઉમેદવાર છે તેમની સામે લોકશાહીના શસ્ત્રા મતનો ઉપયોગ કરો અને આ દાદાગીરીનો જવાબ આજે મતદાનથી આપો એવી જસદણની જનતાને અપીલ કરીએ છીએ. ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આ ઓડિયો ક્લિપની તપાસ કરી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.