ગત મોડી રાત્રે પડઘરીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાને જસદણ છોડવાની પોલીસ દ્વારા ફરજ પાડવામાં આવ્યા બાદ આજે મતદાનના દિવસે કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ઋત્વિક મકવાણાને જસદણ છોડી દેવાની પોલીસે ફરજ પાડતા ભારે વિવાદ અવે બખેડો સર્જાયો છે. ઋત્વિક મકાવાણા ચોટીલાના કોંગ્રેસના ધારાસભ્ય છે અને કોળી સમાજના આગેવાન છે. જસદણ અને રાજકોટ વચ્ચે પોતાના ખેતરે જઈ રહેલા મકવાણાને આકોટકોટ પોલીસે રસ્તામાં આંતરીને પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.
ઋત્વિક મકવાણાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ભાજપ સરકાર દ્વારા પોલીસને ખોટો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હું મારા ખેતરે(વાડી) તરફ જઈ રહ્યો હતો અને રસ્તામાં મારા ઓળખીતા મકવાણા પરિવારનાં લોકો સાથે વાત કરી રહ્યો હતો ત્યારે પોલીસની ગાડીઓ આવી અને મને પોલીસ સ્ટેશને ઉંચકી લાવી છે. જસદણમાં હાર ભાળી ગયેલી ભાજપ સરકાર જીતવા માટે કોંગ્રેસના નેતાઓ અને ધારાસભ્યોને નિશાન બનાવી પોલીસનો ગેરઉપયોગ કરી રહી છે. પોલીસને જણાવવાનું કે ભાજપના ધારાસભ્યો અને નેતાઓ વિરુદ્વ પણ આવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે.
તેમણે કહ્યું કે ભાજપના બોટાદના પ્રમુખ ઉપરાંત અરવિંદ રૈયાણી અને ભીખુભાઈ ભંડેરી જેવા નેતાઓ છડેચોક આચારસંહિતાનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ભાજપના નેતાઓ વિરુદ્વ પોલીસ કોઈ કાર્યવાહી કરી રહી નથી. ભાજપના નેતાઓ આરામથી મહાલી રહ્યા છે. પોલીસ સ્ટેશને લઈ જઈ પોલીસે તેમની અટકાયત નથી કરી તો પછી શા માટે અહીંયા લાવવામાં આવ્યા.
પોલીસે ત્યાર બાદ ઋત્વિક મકવાણાને જસદણ છોડી દેવા માટે કહ્યું હતું અને તેમની કારને જસદણમાંથી બહાર લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. આકોટકોટ પોલીસ મથકે નીકળ્યા બાદ ઋત્વિક મકવાણાની કારની સાથે પોલીસની ગાડી નીકળી અને ઋત્વિક મકવાણાને જસદણની બહાર લઈ જવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.