જસદણની પેટાચૂંટણી માટે મતદાનનો પ્રારંભ થયો છે. મોટી સંખ્યામાં મતદારો મતદાન કરવા આવી પહોંચી રહ્યા છે. 18મી તારીખે પ્રચાર શાંત થયા બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા મતદારોને પોતાની તરફ વાળવા માટે અનેક પ્રકારના પ્રયાસો કરવામાં આવ્યા છે.
આજે સવારથી મતકેન્દ્રો પર લોકો પહોંચી રહ્યા છે. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. કોંગ્રેસના ઉમેદવાર અવસર નાકીયા અને ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળીયાએ પોતાના મતકેન્દ્રો પર જઈને મતદાન કર્યું હતું. વોટ આપવા જતી વખતે બન્ને ઉમેદવારોની સાથે કાર્યકરો જોવા મળ્યા હતા.
જસદણમાં ભાજપે આ વખતે પેટા ચૂંટણીમાં મેગા પ્રચાર કર્યો છે. જેમાં CM, 7 મંત્રી, 38 MLA, 3 કેન્દ્રીય મંત્રીએ પ્રચાર કર્યો હતો. આ ઉપરાંત 5 સાંસદ, 6 પૂર્વ મંત્રીઓએ પણ પ્રચાર કર્યો હતો. ભાજપના 95 નેતાઓ પણ જસદણ પેટા ચૂંટણીનાં મેગા પ્રચારમાં જોડાયા હતા.
જસદણ બેઠક પર 2.32 લાખ નોંધાયેલા મતદારો છે. છેલ્લી 14 ચૂંટણીમાં કોંગ્રેસ 9 વાર જીતી છે.
જસદણ બેઠકમાં જસદણ તાલુકાના 165 મતદાન મથકો જેમાં, વિંછીયા તાલુકાના 90 મથકો અને ગોંડલ તાલુકાના 7 મતદાન મથકો મળી કુલ 262 મતદાન મથકોએ મતદાન યોજાયું છે. તમામ મથકો માટે કુલ 262 EVMના સેટ બુધવારે સવારથી રવાના કરવામાં આવ્યા હતા. એક EVM સેટમાં કુલ 3 વસ્તુઓનો સમાવેશ થાય છે. જેમાં એક બેલેટ યુનિટ,એક કંટ્રોલ યુનિટ તથા એક VVPAT મશીન હોય છે.
કુલ 262 મતદાન મથકો માટે 1140 વ્યકિતઓનો સ્ટાફ પણ EVM સાથે કામે લાગ્યો છે. એક મતદાન મથક ખાતે એક પ્રીસાઇડીંગ ઓફિસર, એક ફર્સ્ટ પોલીંગ ઓફિસર, એક પોલીંગ ઓફિસર, એક ફીમેલ પોલીંગ ઓફિસર તથા એક પટાવાળા સહિત કુલ પાંચ વ્યકિતઓ સમાવિષ્ટ છે. સ્ટ્રોંગરૂમ ખાતેથી ઓબ્ઝર્વરની હાજરીમાં EVM સોંપણીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જરૂરી વહીવટી કાર્યવાહી બાદ આ તમામ 262 EVMને લઇને મતદાનમાં જોડાયેલા સ્ટાફ તેમના નિયત મતદાન મથકે પહોંચ્યો હતો.
મતદાનની પ્રક્રીયામાં એક બિલ્ડિંગમાં એક બૂથ હોય ત્યાં એક પોલીસ અને એક હોમગાર્ડ જવાન, એક બિલ્ડિંગમાં બે બૂથ હોય તો એક પોલીસ અને બે હોમગાર્ડ, એક ઇમારતમાં ત્રણ બૂથ હોય તો એક પોલીસ અને ત્રણ હોમગાર્ડ જવાન ફરજ બજાવી રહ્યા છે. જો ચાર કે તેથી વધુ હોય તો બે પોલીસ અને પાંચ હોમગાર્ડને ફરજ સોંપવામાં આવી છે. આવા બૂથમાં અર્ધ લશ્કરી દળની એક હાફ સેકશન પણ તૈનાત કરવામાં આવી છે. આ હાફ સેક્શનમાં જે તે અર્ધ લશ્કરી દળના નિયમો મુજબ જવાનો હોય છે.