ગુજરાતની રૂપાણી સરકાર માટે ભારે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગયેલી જસદણ-વીંછીયાની પેટાચૂંટણી માટે આવતી કાલે એટલે કે 20મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ રહી છે. મતદાનનાં આગલા દિવસે ચૂંટણી પંચ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે. મતદાનનાં ત્રણ દિવસ બાદ એટલે કે 23મી ડિસેમ્બરના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યના વર્તમાન મંત્રી કુંવરજીભાઈએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. મંત્રી પદ મેળવવા માટે કુંવરજી બાવળીયાએ કોંગ્રેસને છોડી ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો હતો. બન્ને પક્ષો પૈકી ભાજપે આ સીટ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું છે.
જસદણમાં કુલ 2,30,612 મતદારો છે. જેમાં કોળી-કાઠી,ઓબીસી મતદારો અત્યાર સુધી નિર્ણાયક રહ્યા છે. કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયાને જસદણની બેઠક પરથી જીતાડવા માટે મોહન કુંડારિયા, જયંતિ કવાડિયા, પ્રધાન જયેશ રાદડિયા સહિતના સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. ભાજપ કોઇપણ કાળે આ બેઠક ગુમાવવા માંગતી નથી કારણ કે ભાજપ જો આ બેઠક ગુમાવે તો તેની અવળી અસર આગામી લોકસભાની ચૂંટણીમાં આખા સૌરાષ્ટ્ર પર પડી શકે છે.
અહીં નોંધવું ઘટે કે, જસદણ વિધાનસભા બેઠકમાં 35 ટકા કોળી મતદારોનું પ્રભુત્વ રહેલું છે. જ્યારે 20 ટકા લેઉવા પટેલ મતદારો રહેલા છે. આ ઉપરાંત 7 ટકા લઘુમતિ મતદારો, 7 ટકા કડવા પટેલ મતદારો, 8 ટકા ક્ષત્રિય મતદારો, 8 ટકા આહીર સમાજ તેમજ 13 ટકા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.
1971થી 2017 સુધી જસદણ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસનું એકચક્રી સાશન રહ્યું છે.આ વખતે કોંગ્રેસ પણ લડી લેવાના મૂડમાં છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાની સામે ગદ્દારને સજા આપો, સત્તા લાલચુને ઘરભેગો કરવાનો નારો આપ્યો છે. જસદણમાં પાટીદાર સમાજના સારા એવા વોટ છે ઉપરાંત મુસ્લિમ સમાજના પણ વોટ છે. આ ઉપરાંત આહિર અને અન્ય બક્ષીપંચના મતદારોની નિર્ણાયક સંખ્યા છે.
ભાજપે અત્યારથી જ ચૂંટણીને હાઈપ્રોફાઈલ ઓપ આપી દીધો છે. પંદર જેટલા નેતાઓની ટીમ કામે લગાડી દેવામાં આવી છે. ખુદ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી અને વિજય રૂપાણી પોતાની આબરુ બચાવવા માટે કામ લાગી ગયા છે. નજીકના ભવિષ્યમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે જસદણની પેટા ચૂંટણી જીતવા માટે ભાજપે તમામ પ્રકારના ગતકડાં અપનાવ્યા છે. તો બીજી તરફ કોગ્રેસે પણ પાછીપાની કરી નથી. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, નવજોતસિંહ સિદ્વુ જેવા નેતાઓની સભાઓ યોજી હતી. આવતીકાલે બન્ને ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ થશે. ઈવીએમની ગેરરિતીઓ અને તેનાં બખડતંજર પર બાજ નજર રાખવા માટે કોંગ્રેસે પણ હવે આક્રમક વલણ અપનાવ્યું છે. ત્રણ રાજ્યોની વિધાનસભામાં કોંગ્રેસનો વિજય થતાં કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેનો ફાયદો કોંગ્રેસને જસદણમાં મળે છે કે કેમ તે જોવાનું રહે છે.