બુલેટ ટ્રેન જમીન સંપાદન મામલાને આજે મોટી સફળતા મળી હતી. સુરતના ત્રણ ગામોના ખેડુતોએ ચેક સ્વીકારી લઈ પોતાની જમીન બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આપી હતી. બૂલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ ખેડુતો અને જમીન માલિકોએ ઓછા ભાવ સહિતના અનેક મુદ્દે આંદોલન કર્યા હતા. ફ્રાન્સથી ડેલિગેશન પણ આવ્યું હતું.
સુરતના કલેક્ટર ડો.ધવલ પટેલના હાથે પ્રથમ વાર ખેડુતો અને સરકારની સમજૂતીથી ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. સુરતના કલેક્ટરે સંપાદનમાં જઈ રહેલી જમીનના ચેક અર્પણ કર્યા હતા. વક્તાણા, ગોજા અને બોણદ ગામના ખેડુતોને ચેક આપાવામાં આવ્યા હતા. ત્રણેય ગામના 15 જેટલા ખેડુતોને ચેક આપવામાં આવ્યા હતા.
ચેક વિતરણ અંગે કલેક્ટર ધવલ પટેલે કહ્યું કે તમામ ચેક ખેડુતોના અકાઉન્ટમાં વળતર તરીકે RTGS કરવામાં આવશે. વળતરના ચેક અર્પણ કરવામાં આવ્યા ત્યારે જમીન સંપાદન અધિકારીઓ, બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરતા અધિકારીઓ સહિત અનેક લોકો હાજર રહ્યા હતા.
બૂલેટ ટ્રેન પ્રોજેક્ટ વિવાદમાં ચાલી રહ્યો છે ત્યારે સુરત કલેક્ટર દ્વારા ચેક વિતરણનો કાર્યક્રમ કરી બૂલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પહેલી-વહેલી સફળતા જમીન સંપાદન મામલે હાંસલ કરવામાં આવી છે. અંદાજે 75 કરોડથી વધુનું વળતર ખેડુતોને ચૂકવવામાં આવશે.