ગુજરાતમાં દરિયાકાંઠે આવેલા ઉદ્યોગો દ્વારા દરિયામાં છોડવામાં આવતા ગંદાપાણી વિશેની નીતિ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે તેમ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જાહેર કર્યું છે. ગુજરાતમાં આવેલા વિવિધ ઉદ્યોગો અને પ્રદૂષણને લગતા પ્રશ્નો વિશે આજે મહત્વની જાહેરાતો કરી હતી.
GPCB દ્વારા એન્વાયરમેન્ટલ ક્લીયરન્સ (EC) મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ આપવામાં આવી છે. EC મેળવવાની જરૂર હોય તેવા ઉદ્યોગોને EC અને GPCBની એન.ઓ.સી એમ બે અલગ અલગ મંજુરીઓ મેળવવાની હોય છે. આ બંને મંજુરીઓ મેળવવા ઉદ્યોગોને ઘણો સમય લાગતો હતો.
રાજ્ય સરકારની “EC મેળવનાર ઔદ્યોગિક એકમોને સીટીઈની પ્રક્રીયામાંથી મુક્તિ” ની યોજનાથી વધુમાં વધુ ૧૦૫ દિવસમાં મંજૂરી મળશે. રાજ્યમાં દર વર્ષે આશરે લગભગ ૧,૦૦૦ ઉદ્યોગોને સીધો લાભ મળશે. અને આશરે ૧૦,૦૦૦ લોકોને વહેલી રોજગારી મળશે. જુદીજુદી ડાઇઝસ્ટફ પ્રોડક્ટને તેના ગ્રુપ પ્રમાણે મંજુરીમાં સરળીકરણની નીતિ અમલમાં મૂક્વામાં આવી છે. રાજ્યમાં ડાઈઝનું ઉત્પાદન કરતા ૧,૦૦૦ ઉદ્યોગો કાર્યરત છે. ડાઇઝનો પ્રકાર બદલવા માટે ઉદ્યોગે બોર્ડની મંજૂરી લેવી પડે છે. જેના માટે ૩ થી ૬ માસનો સમય લાગતો હતો.
રાજય સરકારની આ યોજનાથી દરેક મંજુરી માટે ટેકનીકલ કમીટીમાં જવું નહીં પડે અને પંદર દિવસમાં મંજુરી મળશે.આ યોજનાથી ૭૦૦ ડાઈઝ ઉધોગોને આ યોજનાનો સીધો લાભ થનાર છે. જેનાથી રૂ.૨૦૦૦-૩૦૦૦ કરોડનું મૂડી રોકાણ વહેલું થનાર છે. આશરે ૫૦ હજાર લોકોને સીધી રોજગારી મળશે.