મધ્યપ્રદેશમાં 230 સીટ માટે થયેલી મતગણતરીમાં વિલંબને લઈ ભારે હોબાળો મચી ગયો હતો. મંગળવારે સવારે આઠ વાગ્યે શરૂ થયેલી મતગણતરી છેક બુધવારે સવારે 10 વાગ્યા સુધી ચાલુ રહી હતી. મતગણતરીમાં થયેલા વિલંબ અંગે ચૂંટણી પંચે છેલ્લી ઘડીએ નિયમોમાં કરેલા ફેરફારને કારણભૂત માનવામાં આવે છે. ચૂંટણી પંચે રિટર્નિંગ ઓફીસરોને રવિવારે આદેશ આપ્યો હતો કે દરેક રાઉન્ડ બાગ રિટર્નિંગ ઓફીસર જ્યાં સુધી રાઉન્ડ કમ્પલીટ થવાનું સર્ટીફિકેટ ઈશ્યુ ન કરે ત્યાં સુધી બીજો રાઉન્ડ શરૂ કરવામાં આવે નહીં. રિટર્નિંગ ઓફીસરોએ આનું પાલન કર્યું હતું.
મધ્યપ્રદેશમાં વિધાનસભાની સૌથી વધુ એટલે કે 230 સીટ હતી. રાજસ્થાનમાં 199 સીટ પર મતગણતરી કરવામાં આવી હતી. ચૂંટણી પંચે આ આદેશની સાથે એવું પણ કહ્યું હતું કે મતગણતરીના સમયે ન તો કોઈ વેબકાસ્ટીંગ થશે અને ન તો કોઈ મતગણતરી કેન્દ્રથી વાઈ-ફાઈ નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે. માત્ર સીસીટીવી કેમેરા મારફત નજર રાખવામાં આવશે.
EVM કાઉન્ટીંગ સાથે VVPAT કાઉન્ટીંગનું મેચીંગ અને પુન: મતગણતરી
એમપી અને રાજસ્થાનમાં કેટલીક બેઠકો એવી હતી જેમાં હાર-જીતનું અંતર બહુ ઓછું હતું. આના પર રનર્સઅપ ઉમેદવારોએ વાંધા ઉઠાવ્યા હતા. આના કારણે પુન: મતગણતરી કરવામાં આવી હતી. આના કારણે પણ રિઝલ્ટ આવવામાં વિલંબ થયો હોવાનું કહી શકાય છે. આ ઉપરાંત EVM કાઉન્ટીંગ પૂર્ણ થયા બાદ VVPAT કાઉન્ટીંગને મેચ કરવામાં આવ્યું હતું.
પેપર સ્લીપ પણ બન્યું એક કારણ
1200 પેપર સ્લીપની ટેલી કરવાનું પણ રિઝલ્ટમાં વિલંબનું કારણ બન્યું હતું. ચૂંટણી અધિકારી દરેક તબક્કે પંચના આદેશનું પાલન કરી રહ્યા હતા. અધિકારીઓનો ટારગેટ વહેલું પરિણામ જાહેર કરવાના બદલે વોટની ગણતરીને સંપૂર્ણ રીતે તપાસી લેવાનો હતો.
પોસ્ટલ વોટ પણ હતા વિલંબ પાછળ
આ વખતે પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં પોસ્ટલ વોટ પણ મોટી સંખ્યામાં પડ્યા હતા. તેમની ગણતરીમાં પણ વધુ સમય ગયો હતો.
કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો
ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસે કાઉન્ટીંગના નિયમોમાં અંતિમ સમયે ફેરફાર કરવાની બાબતે વાંધો ઉઠાવ્યો હતો. કોંગ્રેસની શરત માની લેવામાં આવી અને કેટલાક નિયમોમાં ફેરફાર પણ કરાયો હતો. પંચે મતગણતરીના સમયે દરેક રાઉન્ડ પત્યા બાદ પરિણામની જાણકારી લેખિતમાં આપવાની વાત કરી હતી. આ પ્રક્રિયા માત્ર મધ્યપ્રદેશમાં જ નહીં પણ રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં પણ અપનાવાઈ હતી.
વેબકાસ્ટીંગ કેવી રીતે થાય છે?
વેબકાસ્ટીંગનો મતલબ છે કે એક વીડિયો કેમેરા મતગણતરી કેન્દ્રમાં મૂકવામાં આવે અને ત્યાંથી બધા જ પ્રોગ્રામ પર નજર રાખવામાં આવે. આ કેમેરા સેન્ટ્રલાઈઝ્ડ સર્વરથી જોડાયેલો હોય છે. મતગણતરી કેન્ર્દનું સીધું પ્રસારણ ભારતીય ચૂંટણી પંચની ઓફીસ અને રાજ્ય ચૂંટણી પંચની ઓફીસમાં કરવામાં કરવામાં આવે છે.