લોક રક્ષક દળની વિવિધ જગ્યાઓ માટેનું પરીક્ષાનું પ્રશ્નપત્ર ગત 2જી ડિસેમ્બરે લીક થતા પરીક્ષા રદ કરવામાં આવી હતી. જે બાદ હવે તે 6ઠ્ઠી જાન્યુઆરીએ ફરી લેવામાં આવશે. જેમાં પરીક્ષા કેન્દ્રો અગાઉ જે નક્કી કરાયા હતા તે જ રહેશે. ઉમેદવારોને જીલ્લા ફાળવણી અને કેન્દ્રોની ફાળવણી અંગે લોક રક્ષક ભરતી બોર્ડે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.
પેપર લીક થયા પછી 9 લાખ ઉમેદવારોનાં ભાવિ જોખમમાં મુકાયા હતાં જેને કારણે ભારે હોબાળો મચ્યો હતો. પરીક્ષામાં ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોને અલગ અલગ જીલ્લામાં કેન્દ્રો ફાળવાયા હતા. જેથી અમદાવાદ જીલ્લાના ઉમેદવારોને ખેડા,બરોડા સહિતના દૂર દૂરના કેન્દ્રોમાં જવુ પડયુ હતુ તો અન્ય જીલ્લાના ઉમેદવારોને અમદાવાદ આપવુ પડયુ હતુ. જેને કારણે ઉમેદવારો અને પરીવારજનોમાં ભારે રોષ સરકાર સામે જોવા મળ્યો હતો.
ઉમેદવારોને પોતાનાં ગામ કે શહેરથી દૂર પરીક્ષા સેન્ટર ફાળવતા ઉમેદવારોને કલાકો પહેલા કે આગલા દિવસે જ પહોંચી જવું પડ્યું હતું. જેના કારણે તેમનો ઘણો સમય અને પૈસા પણ બગડવાની ફરિયાદ ઉમેદવારોએ કરી હતી. ઉમેદવારોએ હવે નવેસરથી લેવાનારી પરીક્ષામાં જે તે જિલ્લાના ઉમેદવારોને પોતાના જ જીલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવાની ઉગ્ર માંગ કરી છે. ત્યારે ભરતી બોર્ડના અધ્યક્ષનું કહેવુ છે કે ઉમેદવારોને સેન્ટરોની ફાળવણી અને જીલ્લા ફાળવણી અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.તે અંગેની વિગત હવે પછી જાહેર કરાશે.